
પાકિસ્તાનમાં વધુ એક ન્યાયમૂર્તિએ ISI સામે કર્યાં ગંભીર આક્ષેપ, જજ અને તેમના પરિવારને પરેશાન કરાતો હોવાનો આરોપ
નવી દિલ્હીઃ પડોશી દેશ પાકિસ્તાનમાં સરકાર ઉપર આર્મીનું પ્રભુત્વ હોવાનું જગજાહેર છે. એટલું જ નહીં અગાઉ કેટલાક ન્યાયમૂર્તિઓએ આઈએસઆઈ અને તેમના અધિકારીઓ દ્વારા કરવામાં આવતી હેરાનગતિ અંગે ઉચ્ચ અધિકારીને પત્ર લખ્યો હતો. જો કે, આ મામલે કોઈ કાર્યવાહી કરવામાં નહીં હોવાનું ચર્ચાય રહ્યું છે. દરમિયાન વધુ એક ન્યાયમૂર્તિએ આઈએસએસ સામે ગંભીર આક્ષેપ કર્યાં છે. તેમજ પોતાને તથા પરિવારજનોને હેરાન-પરેશાન કરવામાં આવતા હોવાનો પણ આરોપ લગાવ્યો છે.
પાકિસ્તાનમાં આતંકવાદ વિરોધી અદાલત (ATC)ના ન્યાયાધીશે શક્તિશાળી ગુપ્તચર એજન્સી ISI પર ઇચ્છિત ચુકાદો મેળવવા માટે તેમને અને તેમના પરિવારના સભ્યોને હેરાન કરતી હોવાનો આરોપ લગાવ્યો છે. સરગોધાની આતંકવાદ વિરોધી અદાલતના જસ્ટિસ મુહમ્મદ અબ્બાસે લાહોર હાઈકોર્ટના ચીફ જસ્ટિસ મલિક શહઝાદ અહેમદ ખાનને પત્ર લખ્યો છે. આમાં તેણે જણાવ્યું છે કે કેવી રીતે ગુપ્તચર એજન્સી ઇન્ટર-સર્વિસિસ ઇન્ટેલિજન્સ (ISI)ના અધિકારીઓ તેમને અને તેમના પરિવારના સભ્યોને ટોર્ચર કરી રહ્યા છે.
ન્યાયાધીશ વિપક્ષી નેતા ઓમર અયુબ અને જેલમાં બંધ પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ) પાર્ટીના અન્ય કાર્યકરો સામેના કેસની સુનાવણી કરી રહ્યા હતા. આ મામલો ગયા વર્ષે 9 મેની હિંસા સાથે સંબંધિત છે. અયુબે આરોપ લગાવ્યો હતો કે ગયા અઠવાડિયે સરગોધા એટીસીમાં કેસની સુનાવણી દરમિયાન જસ્ટિસ અબ્બાસને ગુપ્તચર એજન્સીઓએ બંધક બનાવ્યા હતા.
ગત માર્ચમાં, ઇસ્લામાબાદ હાઇકોર્ટના છ ન્યાયાધીશોએ સુપ્રીમ જ્યુડિશિયલ કાઉન્સિલ (SJC) ને ન્યાયિક મામલામાં ગુપ્તચર એજન્સીઓના કથિત હસ્તક્ષેપ વિશે જાણ કરી હતી. આ ન્યાયાધીશોએ SJC સભ્યોને એક પત્ર લખ્યો હતો, જેમાં તેમના પરિવારના સભ્યોના અપહરણ અને ત્રાસ દ્વારા ન્યાયાધીશો પર દબાણ લાવવાના કથિત પ્રયાસો તેમજ તેમના ઘરની અંદર ગુપ્ત દેખરેખની વિગતો આપવામાં આવી હતી. ઈસ્લામાબાદ હાઈકોર્ટના તમામ ન્યાયાધીશોએ સર્વસંમતિથી સંમતિ આપી હતી કે ગુપ્તચર એજન્સીઓ તેમની ન્યાયિક કામગીરીમાં હસ્તક્ષેપ કરી રહી છે.