
અમદાવાદમાં સ્ટોન કિલિંગની ઘટના, પોલીસ તંત્ર દોડતું થયું
અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક મહિનાઓથી ચોરી, લૂંટ અને હત્યા સહિતના ગંભીર બનાવોમાં વધારો થયો છે. દરમિયાન મેગાસિટી અમદાવાદમાં સ્ટોન કિલિંગની ઘટના સામે આવતા ખળભળાટ મચી ગયો છે. શહેરના નારોલ વિસ્તારમાં એક યુવાનની અજાણ્યા શખ્સોએ પથ્થરના ઘા મારીને હત્યા કરતા પોલીસ તંત્ર દોડતું થઈ ગયું હતું. પોલીસે સ્ટોન કિલરને ઝડપી લેવા માટે કવાયત આરંભી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ શહેરના નારોલ વિસ્તારમાં એક અવાવરુ મકાનમાંથી યુવાનની પથ્થરના ઘા મારીને હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. આ બનાવની જાણ થતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિતનો કાફલો સ્થળ પર દોડી ગયો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક યુવાનનું નામ રાજકુમાર યાદવ હોવાનું સામે આવ્યું છે. પોલીસે લાશને પીએમ અર્થે હોસ્પિટલ મોકલી આપી હતી.
પોલીસે સંમગ્ર ઘટનાને ગંભીરતાથી લઈને હત્યાનો ગુનો નોંધીને સ્ટોન કિલરને ઝડપી લેવા માટે કવાયત આરંભી છે. તેમજ આસપાસના વિસ્તારમાં લગાવામાં આવેલા સીસીટીવી કેમેરાના ફુટેજ મેળવવાની કવાયત આરંભી હતી. બીજી તરફ શહેરમાં ફરી એકવાર સ્ટોન કિલિંગની ઘટના સામે આવતા લોકોમાં ભય ફેલાયો હતો.