1. Home
  2. ગુજરાતી
  3. હોર્મુઝ સ્ટ્રેટ વિવાદ: ઓમાન સાથે નવા મેરિટાઇમ રૂટની વાટાઘાટો અંતિમ તબક્કામાં હોવાનો ઈરાનનો દાવો
હોર્મુઝ સ્ટ્રેટ વિવાદ: ઓમાન સાથે નવા મેરિટાઇમ રૂટની વાટાઘાટો અંતિમ તબક્કામાં હોવાનો ઈરાનનો દાવો

હોર્મુઝ સ્ટ્રેટ વિવાદ: ઓમાન સાથે નવા મેરિટાઇમ રૂટની વાટાઘાટો અંતિમ તબક્કામાં હોવાનો ઈરાનનો દાવો

0
Social Share

તેહરાન, 6 ઓગસ્ટ 2026: વૈશ્વિક વેપાર માટે અત્યંત સંવેદનશીલ ગણાતા હોર્મુઝ મામલે મોટો ખુલાસો થયો છે. ઈરાને દાવો કર્યો છે કે તેણે જહાજોની અવરજવર માટે ઓમાન સાથે એક નવા દરિયાઈ માર્ગ પર સમજૂતી કરી લીધી છે અને આ ડીલ હવે તેના અંતિમ ચરણમાં છે. જોકે, ઈરાને સાથેસાથે એ સ્પષ્ટ પણ કરી દીધું છે કે, આ સમજૂતી ક્ષેત્રે દરિયાઈ સુરક્ષાની કોઈ ગેરેંટી આપતી નથી. ઈરાનનું માનવું છે કે, અમેરિકાની નૌકાદળની નાકાબંધી અને સૈન્ય ગતિવિધિઓ જ આ ક્ષેત્રમાં તણાવનું મૂળ કારણ છે.

ઈરાની વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઇસ્માઇલ બકાઈના જણાવ્યા અનુસાર, ઓમાન સાથેના નવા દરિયાઈ માર્ગ અંગેની વાતચીત અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે. બંને દેશો વચ્ચે જીયોગ્રાફિકલ કોર્ડિનેટ્સ પર સહમતિ સધાઈ ચૂકી છે. જોકે, હાલ પૂરતું આ નવા રૂટની વિગતવાર માહિતી જાહેર કરવામાં આવી નથી. ઈરાની ઉપ વિદેશ મંત્રી કાઝેમ ગરીબાબાદીએ સ્પષ્ટ કર્યું છે કે, આ નવો મેરિટાઇમ રૂટ અસ્થાયી રહેશે અને આગામી બે થી ચાર મહિના સુધી જ અમલમાં રહી શકે છે.

ઈરાને આરોપ લગાવ્યો છે કે, અમેરિકાની આક્રમક સૈન્ય પ્રવૃત્તિઓ અને પ્રતિબંધોને કારણે આખો દરિયાઈ વેપાર પ્રભાવિત થઈ રહ્યો છે. ઈરાનનું કહેવું છે કે, હોર્મુઝ સ્ટ્રેટ સમજૂતી છતાં સંપૂર્ણ સુરક્ષિત નથી, કારણ કે અમેરિકાએ હજુ પણ ઈરાની બંદરોની નૌકાદળ દ્વારા ઘેરાબંધી કરી રાખી છે. આ સમગ્ર ઘટનાક્રમ વચ્ચે અમેરિકા કે ઓમાન તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા સામે આવી નથી.

  • ટ્રાન્ઝિટ ફી છે સૌથી મોટો વિવાદ

રિપોર્ટ્સ મુજબ, હોર્મુઝ સ્ટ્રેટને લઈને ઈરાન અને અમેરિકા વચ્ચે સૌથી મોટો વિવાદ ટ્રાન્ઝિટ ફીને લઈને છે. ઈરાન ઈચ્છે છે કે, આ જળડમરૂમધ્યમાંથી પસાર થતા જહાજો પોતાના માલસામાનની કિંમતનું 5થી 7 ટકા જેટલું શુલ્ક ચૂકવે. જ્યારે ઓમાન લગભગ 3 ટકા ફીની તરફેણમાં છે, અને અમેરિકા કોઈપણ પ્રકારની ફી વસૂલવાની સખત વિરુદ્ધમાં છે. રોયટર્સના અહેવાલ મુજબ, આ પ્રસ્તાવિત વ્યવસ્થા લાગુ થવાથી ફારસી ખાડીમાં પ્રવેશતા જહાજો પર ઈરાનનું નિયંત્રણ વધુ મજબૂત થઈ શકે છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં જ સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી હતી કે, જો હોર્મુઝ સ્ટ્રેટ વહેલી તકે ખુલ્લો મૂકવામાં નહીં આવે, તો ઈરાને ગંભીર પરિણામો ભોગવવા પડશે.

ઉલ્લેખનીય છે કે, ફેબ્રુઆરીમાં અમેરિકા અને ઇઝરાયેલ દ્વારા ઈરાન પર થયેલા હુમલા બાદ તેહરાને અહીં કડક પ્રતિબંધો લાદી દીધા હતા. જોકે, થોડા સમયના સીઝફાયર બાદ માર્ગ ખોલવામાં આવ્યો હતો, પરંતુ જુલાઈમાં ફરી સૈન્ય ટકરાવ વધતા ઈરાને અવરજવર રોકી દીધી હતી. મહત્વપૂર્ણ છે કે હોર્મુઝ સ્ટ્રેટ દુનિયાના સૌથી મહત્વપૂર્ણ વેપારી માર્ગોમાં સામેલ છે, જ્યાંથી વૈશ્વિક તેલ અને એલએનજી વેપારનો આશરે 20 ટકા હિસ્સો પસાર થાય છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code