1. Home
  2. ગુજરાતી
  3. MSME ક્ષેત્રનું મજબૂતીકરણ એ સમગ્ર સમાજનું મજબૂતીકરણઃ પીએમ મોદી
MSME ક્ષેત્રનું મજબૂતીકરણ એ સમગ્ર સમાજનું મજબૂતીકરણઃ પીએમ મોદી

MSME ક્ષેત્રનું મજબૂતીકરણ એ સમગ્ર સમાજનું મજબૂતીકરણઃ પીએમ મોદી

0
Social Share

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ‘ઉદ્યમી ભારત’ કાર્યક્રમમાં ભાગ લીધો હતો અને આ કાર્યક્રમ દરમિયાન MSME ક્ષેત્રને વેગવાન બનાવવાના ઉદ્દેશ સાથે ‘MSMEના પ્રદર્શનનો ઉદય અને પ્રવેગ’ (RAMP) યોજના, ‘પ્રથમ વખતના નિકાસકારો માટે ક્ષમતા નિર્માણ’ (CBFTE) યોજના અને ‘પ્રધાનમંત્રી રોજગાર નિર્માણ કાર્યક્રમ’ (PMEGP)ની નવી સુવિધાઓનો પ્રારંભ કર્યો હતો. તેમણે ડિજિટલ માધ્યમથી વર્ષ 2022-23 માટે PMEGPના લાભાર્થીઓને સહાયનું હસ્તાંતરણ કર્યું હતું. MSME આઇડિયા હેકાથોન, 2022ના પરિણામો જાહેર કર્યા હતા અને રાષ્ટ્રીય MSME પુરસ્કાર 2022 એનાયત કર્યા હતા તેમજ આત્મનિર્ભર ભારત (SRI) ફંડમાં 75 MSMEને ડિજિટલ ઇક્વિટી પ્રમાણપત્રો ઇશ્યુ કર્યા હતા.

વડાપ્રધાને જણાવ્યું હતું કે, MSME ઇન્ડિયા દ્વારા કરવામાં આવેલા પ્રયાસો આત્મનિર્ભર ભારત માટે મુખ્ય ચાલકબળ બનશે. 21મી સદીમાં ભારત જે પણ ઊંચાઇઓ પ્રાપ્ત કરશે, તેનો આધાર MSME ક્ષેત્રની સફળતા પર રહેશે. ભારતની નિકાસમાં વૃદ્ધિ કરવા માટે અને ભારતના ઉત્પાદનોને નવા બજારો સુધી પહોંચાડવા માટે ભારતનું MSME ક્ષેત્રનું મજબૂતીકરણ થવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. અમારી સરકાર તમારી ક્ષમતા અને આ ક્ષેત્રની અપાર સંભાવનાઓને ધ્યાનમાં રાખીને નિર્ણયો લઇ રહી છે અને નવી નીતિઓ ઘડી રહી છે. આજે શરૂ કરવામાં આવેલી વિવિધ પહેલ અને સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલા અન્ય પગલાં MSMEની ગુણવત્તા અને પ્રોત્સાહન સાથે સંકળાયેલા છે.

તેમણે વધુમાં કહ્યું કે, જ્યારે આપણે MSME કહીએ ત્યારે ટેકનિકલ ભાષામાં તેનું પૂરું નામ સુક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો થાય છે. પરંતુ આ સુક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો ભારતની વિકાસની સફરના ખૂબ જ મોટા આધારસ્તંભ છે. MSME ક્ષેત્ર ભારતના અર્થતંત્રમાં લગભગ ત્રીજા ભાગના યોગદાન માટે જવાબદાર છે. MSME ક્ષેત્રનું મજબૂતીકરણ એ સમગ્ર સમાજનું મજબૂતીકરણ છે, તેનાથી દરેક વ્યક્તિને વિકાસનો લાભ પ્રાપ્ત થયા છે.

MSME ક્ષેત્રના મજબૂતીકરણ માટે, છેલ્લા આઠ વર્ષમાં સરકારે આ ક્ષેત્ર માટે બજેટની ફાળવણીમાં 650% કરતાં વધારે વૃદ્ધિ કરી છે. અમારા મતે, MSME મતલબ સુક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો માટે મહત્તમ સહકાર છે. 11 કરોડ કરતાં વધારે લોકો આ ક્ષેત્ર સાથે સંકળાયેલા છે, રોજગારીનું નિર્માણ કરવામાં MSMEની ભૂમિકા મહત્વપૂર્ણ છે. મહામારી દરમિયાન, સરકારે નાના ઉદ્યોગોને બચાવવાનું અને તેમને નવી શક્તિ આપવાનું નક્કી કર્યું હતું. ઇમરજન્સી ક્રેડિટ લાઇન ગેરંટી યોજના હેઠળ કેન્દ્ર સરકારે MSME માટે 3.5 લાખ કરોડ રૂપિયાની બાંયધરી આપી છે. એક અહેવાલ મુજબ, આના પરિણામે લગભગ 1.5 કરોડ નોકરીઓ બચાવી શકાઇ છે. MSME એ ભારતની આઝાદીના ‘અમૃતકાળ’ના સંકલ્પોને પ્રાપ્ત કરવા માટેનું એક મુખ્ય માધ્યમ છે.

પ્રધાનમંત્રી રોજગાર સર્જન કાર્યક્રમને 2014 પછી વેગવાન બનાવવામાં આવ્યો છે કારણ કે 2008-થી 2012 દરમિયાન આ કાર્યક્રમનું લક્ષ્ય પ્રાપ્ત થઇ શકતું નહોતું. 2014થી અત્યાર સુધીમાં 40 લાખ કરતાં વધારે નોકરીઓનું આ કાર્યક્રમ હેઠળ સર્જન કરવામાં આવ્યું છે. આ સમયગાળા દરમિયાન 14 હજાર કરોડ રૂપિયાની માર્જિન મની સબસિડી આવા ઉદ્યોગોને આપવામાં આવી હતી.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code