Site icon Revoi.in

સોમ લલિત સ્કૂલમાં ચોથા માળેથી કૂદેલી વિદ્યાર્થિનીનું સારવાર દરમિયાન મોત

Social Share

અમદાવાદઃ શહેરના નવરંગપુરા વિસ્તારમાં આવેલી સોમ લલિત સ્કૂલમાં ધોરણ 10માં ભણતી વિદ્યાર્થિનીએ ગઈકાલે ગુરૂવારે સ્કૂલના ચોથા માળેથી કૂદીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. નીચે પટકાતાં વિદ્યાર્થિનીને ગંભીર ઈજા પહોંચતાં સારવારમાં ખસેડાઈ હતી. આજે શુક્રવારે વિદ્યાર્થિનીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. વિદ્યાર્થિનીએ ચોથા માળેથી કૂદકો માર્યો એ સમયના CCTV પણ સામે આવ્યા છે, જેમાં તે કીચેઇન ફેરવતાં ફેરવતાં લોબીમાં આવી અને છલાંગ લગાવી દે છે. વિદ્યાર્થિની 15 દિવસ પહેલાં મહિનાની રજા બાદ ફરી સ્કૂલે આવી હતી. અને કોઈ કારણસર આત્મહત્યા કરી હતી. આપઘાતના કરવા પાછળનું ચોક્કસ કારણ હજુ જાણવા મળ્યું નથી. નવરંગપુરા પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

આ બનાવની વિગત એવી છે કે, શહેરના નવરંગપુરા વિસ્તારમાં આવેલી સોમ લલિત સ્કૂલમાં ધોરણ 10માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ ગુરુવારે બપોરે સ્કૂલના ચોથા માળેથી છલાંગ લગાવી હતી. માથા, હાથ, પગમાં ગંભીર ઈજાઓને કારણે તેને નવરંગપુરાની નિધિ હોસ્પિટલમાં આઈસીયુમાં દાખલ કરાઈ હતી, જોકે ત્યાર બાદ તેને અન્ય હોસ્પિટલમાં લઈ જવાની હતી, પરંતુ પછી ત્યાં જ રખાઈ હતી. પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે તે માતાપિતા, ભાઈ, બહેન સાથે નારણપુરામાં રહે છે અને પિતા ગાંધી રોડ પર દુકાન ધરાવે છે. ગુરુવારે સવારે તેના પિતા સ્કૂલે મૂકીને ગયા હતા. સ્કૂલનાં પ્રિન્સિપાલ લીના અરોરાએ જણાવ્યું હતું કે ગુરુવારે વિદ્યાર્થિની ક્લાસરૂમમાં ચીસો પાડવા લાગી હતી, જેથી શિક્ષકે તેને શાંત કરી હતી. સવારથી જ તે ડિસ્ટર્બ લાગતી હતી. તે 15 દિવસ પહેલાં જ એક મહિનાની રજા બાદ આવી હતી. લાંબી રજા પર હોવાથી વાલીએ તેનું મેડિકલ સર્ટિફિકેટ પણ જમા કરાવ્યું હતું. બીજી તરફ આ ઘટના બાબતે શહેર ડીઈઓએ સ્કૂલ પાસે રિપોર્ટ માગ્યો છે.

Exit mobile version