
ગાંધીનગરઃ પાટનગર ગાંધીનગર શહેરના મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાંથી એકઠો કરવામાં આવતા કચરાને નવાં રૂપ રંગ આપીને બેસ્ટ આર્ટ તૈયાર કરીને ગાંધીનગર શહેરના અલગ-અલગ સર્કલ અને જાહેર સ્થળ પર મુકવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. આ વેસ્ટ કલેક્શનમાંથી આર્ટની બેસ્ટ ડિઝાઈન નિફ્ટ અને IGNCA નાં વિધાર્થીઓ દ્વારા તૈયાર કરવામાં આવશે.
સૂત્રોના જણાવ્યા મુજબ ગાંધીનગર શહેરમાં છેલ્લા વર્ષોમાં વિસ્તાર અને વસતીમાં વધારો થયો છે. વસતી વધવાની સાથે કચરો પણ મોટા પ્રમાણમાં એકઠો થઈ રહ્યો છે. જેમાં પ્લાસ્ટિકનો વેસ્ટ પણ મોટા પ્રમાણમાં હોય છે. ત્યારે ગાંધીનગરમાંથી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એકઠો કરવામાં આવતો ખાસ કરીને પ્લાસ્ટિકની વસ્તુઓ સહિતની વેસ્ટ વસ્તુઓમાંથી બેસ્ટ આર્ટ તૈયાર કરીને જાહેર સ્થળોએ મૂકવાનો પ્રોજેક્ટ શરૂ કરવામાં આવશે. જે માટે ઇન્દિરા ગાંધી નેશનલ સેન્ટર ફોર આર્ટસ (IGNCA) અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ટેકનોલોજી (NIFT) ના વિદ્યાર્થીઓ દ્વારા વેસ્ટમાંથી બેસ્ટ આર્ટ બનાવવા માટેની તૈયારી દર્શાવવામાં આવી છે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, આ પ્રોજેક્ટ માટે NIFT કોલેજના આસિસ્ટન્ટ પ્રોફેસર નિલેશ સિદ્ધપુરા દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે. તેઓ વેસ્ટને કઈ રીતે ઓછું કરી શકાય અને વેસ્ટમાંથી બેસ્ટ આર્ટ કઈ રીતે તૈયાર કરી શકાય તેના પર અવનવા પ્રયોગ કરતા રહેતા હોય છે. આ નવતર પ્રયોગનું પ્રાયોગિક ધોરણે વેસ્ટમાંથી બેસ્ટ આર્ટનું ઇન્સ્ટોલેશનનું અનાવરણ સ્થાયી સમિતિની ચેરમેન જશવંત પટેલ અને ગાંધીનગરના ડે. મેયર પ્રેમલસિંહ ગોલના હસ્તે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં IGNCA ના રિજિયોનલ ડાયરેક્ટર અરૂપા લેહરી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ અંગે સ્ટેન્ડીંગ ચેરમેન જસવંત પટેલે જણાવ્યું હતું કે, શહેરમાંથી એકઠો કરવામાં આવતો કચરો ખાસ કરીને પ્લાસ્ટિક સહિતની વસ્તુઓ નાશ કરવી ખૂબ જ મુશ્કેલી છે. આથી શહેરની સંસ્થાઓ સાથે મળીને નવતર પ્રયોગ હાથ ધરવામાં આવશે. આ સંસ્થાનાં વિધાર્થીઓ વેસ્ટ વસ્તુઓમાંથી અવનવી આર્ટ ડિઝાઈન તૈયાર કરશે. જેને મનપા તંત્ર દ્વારા શહેરના સર્કલને જાહેર સ્થળોએ મૂકવામાં આવશે.