
અમદાવાદઃ ગુજરાતમાં અમુક વર્ષોથી એન્જીનિયરીંગ અભ્યાસક્રમમાં રસ ઘટયો છે અને અનેક કોલેજોમાં બેઠકો ખાલી રહે છે. તેવા સમયે ઓલ ઈન્ડીયા કાઉન્સિલ ફોર ટેકનીકલ એજયુકેશન દ્વારા હવે ગુજરાતી સહિત આઠ પ્રાદેશિક ભાષાઓમાં અભ્યાસક્રમની છૂટ આપી છે. જુનથી શરૂ થતા નવા શૈક્ષણિક સત્રથી ઈજનેરી અભ્યાસક્રમો અંગ્રેજી ઉપરાંત હિન્દી, બંગાળી, તેલૂગુ, તામીલ, ગુજરાતી, કન્નડ, મરાઠી તથા મલયાલમ ભાષામાં ઉપલબ્ધ કરાવવાની મંજુરી આપવામાં આવી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાતમાં હવે વિદ્યાર્થીઓ ઈજનેરીનો અભ્યાસક્રમ પોતાની માતૃભાષામાં ભણી શકશે.પ્રાદેશિક ભાષાઓમાં એન્જીનિયરીંગ અભ્યાસક્રમની છુટ આપવા પાછળનો ઉદ્દેશ ગ્રામ્ય તથા આદિવાસી વિસ્તારોનાં વિદ્યાર્થીઓનાં ઈજનેરી ક્ષેત્રે આગળ વધવાના સ્વપ્ન પુરા કરવાનો છે. અંગ્રેજીના સાસા પડતા હોવાથી તેઓ એન્જીનિયરીંગમાં પ્રવેશ મેળવવામાં ખચકાટ રાખતા હોય છે. અંગ્રેજીનાં જ્ઞાનનાં અભાવે આવા તેજસ્વી વિદ્યાર્થીઓ પણ દુર રહેતા હોય છે. જર્મનર, ફ્રાંસ, જાપાન, ચીન જેવા દેશો પણ અંગ્રેજી ઉપરાંત સ્થાનિક ભાષાઓમાં અંગ્રેજીનું શિક્ષણનું શિક્ષણ આપે જ છે.
ઓલ ઈન્ડીયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજયુકેશનનાં ચેરમેન અનિલ સહસ્ત્રબુદ્ધેએ કહ્યું હતું કે માતૃભાષામાં શિક્ષણ મળવાથી વિદ્યાર્થીઓ ઈજનેરીના પાયાના સિધ્ધાંતો વધુ સારી અને સરળતાથી સમજી શકે છે અને આ ઉદેશ સાથે જ આઠ પ્રાદેશિક ભાષાઓમાં અભ્યાસક્રમ શરૂ કરવા દેવાની છૂટ આપવામાં આવી છે. પ્રાદેશિક ભાષામાં અભ્યાસક્રમ માટે 500 જેટલી રજુઆતો મળી હતી.એન્જીનિંયરીંગ અભ્યાસક્રમો માટે ભવિષ્યમાં વધુ 11 ભાષા મંજુર કરવાનું વિચારણામાં છે. કાઉન્સીલ દ્વારા તમામ ભાષાઓમાં શૈક્ષણિક સામગ્રી ઓનલાઈન પોર્ટલમાં પુરી પાડવામાં આવેજ છે.
આઈઆઈટીમાં પ્રવેશ મેળવવા માટે લેવાતી જેઈઈ (એડવાન્સ)ની 3 જુલાઈએ યોજાનારી પરીક્ષા કોરોનાની પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાને રાખીને સ્થગિત કરી દેવામાં આવી છે. સતાવાર યાદીમાં જણાવાયા પ્રમાણે યોગ્ય સમયે નવી તારીખોનું એલાન કરવામાં આવશે. કોરોનાની વર્તમાન લહેર હજુ કેટલાંક ભાગોમાં કાબુ બહાર હોવાથી આ નિર્ણય લેવાયાનું સુત્રોએ કહ્યું છે.