1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. સુજલામ-સુફલામ જળ અભિયાન જન સહયોગથી જળક્રાંતિનું જન આંદોલન બન્યું છેઃ CM
સુજલામ-સુફલામ જળ અભિયાન જન સહયોગથી જળક્રાંતિનું જન આંદોલન બન્યું છેઃ CM

સુજલામ-સુફલામ જળ અભિયાન જન સહયોગથી જળક્રાંતિનું જન આંદોલન બન્યું છેઃ CM

0
Social Share

ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટ પણે જણાવ્યું છે કે, વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીની દીર્ઘદ્રષ્ટિનું સફળત્તમ દ્રષ્ટાંત સુજલામ સુફલામ જળ અભિયાન છે.તેમણે કહ્યું કે લોક ભાગીદારી અને જન  સહયોગથી PPP ધોરણે જળ સંચય અને જળ સંગ્રહનું આ અભિયાન હવે રાજ્યમાં જળક્રાંતિનું જન આંદોલન બની ગયું છે. મુખ્યમંત્રીએ સુજલામ સુફલામ્ જળ અભિયાનના છઠ્ઠા ચરણનો રાજ્યવ્યાપી પ્રારંભ ગાંધીનગર જિલ્લાના ખોરજ ગામેથી કરાવ્યો હતો. તેમણે ઉમેર્યું કે આ અભિયાનને મળી રહેલા અપ્રતિમ પ્રતિસાદ અને લોકલાગણીને માન આપી રાજ્ય સરકારે આ વર્ષે અભિયાન વધુ સમય ચાલુ રાખી 104 દિવસનું રાખવાનો અભિગમ અપનાવ્યો છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ અભિયાનમાં જે કામો થાય છે તે સંપૂર્ણ ગુણવત્તાયુક્ત અને પારદર્શી ઢબે થાય છે તેનું ગૌરવ કરતા કહ્યું કે આ  કામોને પરિણામે ખેડૂતો અને લોકોને સિંચાઇ અને પીવાના પાણીની પૂરતી ઉપલબ્ધિ થઈ છે. એટલું જ નહિ, માટી ખોદકામને કારણે મોટા પાયે માનવ દિન રોજગારી મળે છે અને નીકળેલી માટી ખેડૂતો પોતાના ખેતરમાં ઉપયોગમાં લે છે. આવી માટી  સંબંધિત વિકાસ કામોમાં વપરાશમાં લેવા ખરીદ કરીને આવક પણ ઉભી થાય છે. મુખ્યમંત્રીએ આ જળ સંચય અને જળ સંગ્રહ અભિયાન વરસાદી પાણીને રોકવા અને જમીનમાં ઉતારી ભૂગર્ભ જળ સ્તર ઊંચા લાવવાનો એક સફળ પ્રયોગ બન્યો છે તે માટે આ અભિયાન સાથે સંકળાયેલ સૌને અભિનંદન આપ્યા હતા. તેમણે પાણીના કરકસરપૂર્ણ ઉપયોગ માટે પણ કાળજી લેવા સૌને અનુરોધ કર્યો હતો. મુખ્યમંત્રીએ જળસંચય અને જળસંગ્રહ સાથોસાથ પ્રાકૃતિક ખેતી દ્વારા પકવેલા અનાજ, ખેત ઉત્પાદનોના વ્યાપક ઉપયોગથી સ્વાસ્થ્યપ્રદ અને રોગમુકત જીવનશૈલીની પણ હિમાયત કરી હતી.

ભૂપેન્દ્ર પટેલે ઉમેર્યું કે વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીએ દેશને અમૃત કાળમાં લઇ જવા જળ સંચયને વેગ આપતા દરેક જિલ્લામાં ૭૫ અમૃત સરોવરના નિર્માણનું આહવાન કર્યું છે.ગુજરાત આ આહવાન ઝીલી લઈને આવા અમૃત સરોવર બનાવીને જળ સંગ્રહ, જળ સંચય  ક્ષેત્રે દેશનું દિશાદર્શક બને તે માટે આ સુજલામ્ સુફલામ્ જળ અભિયાન ઉદ્દીપક બનશે તેવી નેમ મુખ્યમંત્રીશ્રીએ વ્યક્ત કરી હતી.

જળસંપત્તિ મંત્રી કુંવરજીભાઇ બાવળિયાએ જણાવ્યું હતું કે, જળ એ જ જીવનના મંત્ર સાથે સુજલામ સુફલામ જળ અભિયાન-2023નો શુભારંભ થઇ રહ્યો છે. તેમણે જણાવ્યું હતું કે, સુજલામ-સુફલામ કેનાલ દ્વારા ઉત્તર ગુજરાતમાં નર્મદાનું પાણી છેવાડાના વિસ્તાર સુઘી પહોચ્યું છે. સૌની યોજના થકી સૌરાષ્ટ્રમાં નર્મદાનું પાણી પહોચ્યું છે. કચ્છના છેવાડાના ગામો સુઘી પાણી પહોંચી રહ્યું છે. આ માટે રાજય સરકારે વિશેષ ચિંતા કરી છે. આ અભિયાનનો મુખ્ય હેતુ ભૂજળ ઉપરનો આઘાર છોડીને વરસાદી સંગ્રહ કરેલા પાણી ઉપર આઘાર રાખવાનો છે. જળ સંચય અને જળ સંરક્ષણના ઉદ્દેશને સાર્થક કરવા જન ભાગીદારી પ્રેરિત કરીને પાણી બચાવવા અને વિવેકપૂર્ણ ઉપયોગ કરવા લોકોને પ્રેરિત કરવાનો આ અભિયાનનો હેતુ છે. તેમણે જળ સંગ્રહ શક્તિમાં વઘારો થાય, શ્રમિકોને રોજગારી મળે અને લોકોમાં જાગૃત્તિ આવે તેવો ઉમદા હેતુ આ અભિયાનનો હોવાનું જણાવ્યું હતું.

જળસંપત્તિ વિભાગના સચિવ  કે.એ.પટેલે મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કરીને જણાવ્યું હતું કે, વર્ષ 2018થી સમગ્ર રાજયમાં આ અભિયાનનો આરંભ કરવામાં આવ્યો હતો. આ અભિયાન થકી વરસાદી સપાટી જળનો મહત્તમ સંગ્રહ કરીને ભુગર્ભ જળના સ્તરને ઉંચા લાવવાનો છે. તેમજ લોકોમાં પાણી બચાવવાની જાગૃત્તિને અનોખી રીતે સાંકળી લેવામાં આવી છે. ગત વર્ષ- 2022માં આ અભિયાન થકી 8450 કામો કરવામાં આવ્યા હતા. તેની સાથે 5227 મનરેગા હેઠળ અને વિભાગીય રીતે 4,134  કામો મળીને કુલ- 17,811 કામો હાથ ઘરવામાં આવ્યા હતા. તેની વિગતો તેમણે આપી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી શરુ થયેલ સુજલામ સુફલામ્ જળ અભિયાનની સફળતાને પગલે રાજ્યમાં છેલ્લા પાંચ વર્ષમાં 74,509 કામો હાથ ધરીને જળ સંગ્રહ ક્ષમતામાં 86,196  લાખ ઘનફૂટ નો વધારો થયો છે. 56,778 કિલોમીટર લંબાઈમાં નહેરો તેમજ કાંસ ના સફાઈ કામો વ્યાપક પણે હાથ ધરવામાં આવેલા છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code