રાષ્ટ્રીય ચંબલ ઘડિયાળ અભયારણ્યમાં ગેરકાયદેસર રેતી ખનન ન અટકતા સુપ્રીમ કોર્ટે વ્યક્ત કરી નારાજગી
નવી દિલ્હી, 27 મે 2026: રાષ્ટ્રીય ચંબલ ઘડિયાળ અભયારણ્યમાં ચાલી રહેલા ગેરકાયદેસર રેતી ખનન સામે સુપ્રીમ કોર્ટે ભારે નારાજગી વ્યક્ત કરી છે. સર્વોચ્ચ અદાલતે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે, પર્યાવરણનું સંરક્ષણ માત્ર કોર્ટના દબાણ કે અધિકારીઓના ડરથી ન ચાલી શકે. આ મામલે કડક વલણ અપનાવતા કોર્ટે ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને મધ્ય પ્રદેશ સરકારને સંવેદનશીલ વિસ્તારોમાં ગેરકાયદેસર ખનન રોકવા માટે તાત્કાલિક કાયમી અને નક્કર વ્યવસ્થા ઊભી કરવા કડક નિર્દેશ આપ્યા છે.
ચંબલ અભયારણ્યમાં સતત થઈ રહેલા ગેરકાયદેસર ખનન અંગેની અરજી પર સુનાવણી દરમિયાન અદાલતે નોંધ્યું હતું કે, વારંવાર ચેતવણી આપવા છતાં આ પ્રવૃત્તિ સંપૂર્ણપણે બંધ થઈ નથી. કોર્ટે ટિપ્પણી કરી હતી કે, પર્યાવરણીય શાસન એવી વ્યવસ્થા ન હોઈ શકે જે માત્ર કોર્ટના હસ્તક્ષેપ પછી જ સક્રિય થાય. રાજ્યો અને સરકારી એજન્સીઓની એ પ્રાથમિક જવાબદારી છે કે તેઓ સંભવિત જોખમોને અગાઉથી સમજે અને પર્યાવરણને થતા નુકસાનને અટકાવે. ચંબલ જેવા અત્યંત સંવેદનશીલ ક્ષેત્રો માત્ર કાગળ પર સુરક્ષિત ન રહેવા જોઈએ.
ત્રણ રાજ્યોને કર્યા નિર્દેશ
પર્યાવરણ અને વન્યજીવોની સુરક્ષા માટે સુપ્રીમ કોર્ટે કેટલાંક મહત્વના આદેશો જાહેર કર્યા છે. કોર્ટે ચંબલ અભયારણ્યમાં ગેરકાયદેસર રેતી ખનન પર તાત્કાલિક રોક લગાવીને સંવેદનશીલ વિસ્તારોમાં સીસીટીવી કેમેરા લગાવવા અને તેની કડક દેખરેખ માટે એક અલગ કંટ્રોલ રૂમ બનાવવાનો આદેશ આપ્યો છે. આ ઉપરાંત, ગેરકાયદેસર ખનનમાં સામેલ તમામ મશીનો અને વાહનોને જપ્ત કરવા તેમજ કોન્ટ્રાક્ટરો અને મશીન ઓપરેટરો સામે કડક કાનૂની કાર્યવાહી કરવા જણાવ્યું છે. કોર્ટે નિયમિત નિરીક્ષણ અને મોનિટરિંગ સિસ્ટમ ઊભી કરવા પર ભાર મૂકતા કહ્યું કે, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને મધ્ય પ્રદેશ સરકારોએ પરસ્પર તાલમેલ સાધીને સંયુક્ત રીતે ઓપરેશન હાથ ધરવું પડશે જેથી ઘડિયાળ, ડોલ્ફિન અને અન્ય દુર્લભ પ્રજાતિઓના કુદરતી રહેઠાણને સુરક્ષિત રાખી શકાય.
નદીના ઇકોસિસ્ટમ પર વાત કરતા નિષ્ણાતોએ પણ ચિંતા વ્યક્ત કરી છે કે ગેરકાયદેસર રેતી ખનનને કારણે નદીની કુદરતી સમતુલા ખોરવાઈ રહી છે, જેનાથી જળચર જીવોના પ્રજનન ક્ષેત્રો પ્રભાવિત થઈ રહ્યા છે અને નદીનો પ્રવાહ પણ બદલાઈ રહ્યો છે. કોર્ટે ચિંતા વ્યક્ત કરી હતી કે, ઘણીવાર વહીવટી તંત્રની કાર્યવાહી માત્ર દેખાડા પૂરતી મર્યાદિત રહી જાય છે. તેથી પર્યાવરણ સંરક્ષણને એક કાયમી નીતિ બનાવવી પડશે અને બેદરકારી દાખવનાર અધિકારીઓની જવાબદારી નક્કી કરવી પડશે.
વિકાસ અને પર્યાવરણ વચ્ચે સંતુલન જાળવવાની જરૂરિયાત પર ભાર મૂકતા સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે, વિકાસ જરૂરી છે પરંતુ પર્યાવરણના ભોગે નહીં. બાંધકામ કાર્યો માટે રેતીની જરૂરિયાત સ્વીકાર્ય છે, પરંતુ તેનો અર્થ એ નથી કે નદીઓ અને અભયારણ્યોને બરબાદ કરી દેવામાં આવે. કોર્ટે રાજ્યોને ટકાઉ અને વૈજ્ઞાનિક પદ્ધતિથી ખનન નીતિ લાગુ કરવાની સલાહ આપી છે. સર્વોચ્ચ અદાલતનું આ કડક વલણ પર્યાવરણ સંરક્ષણની દિશામાં એક મોટો સંદેશ માનવામાં આવી રહ્યો છે, જેની અસર આગામી સમયમાં અન્ય રાજ્યો પર પણ જોવા મળી શકે છે.


