બ્રાહ્મણ ફોબિયા વિરુદ્ધની અરજી સ્વીકારવા પણ સુપ્રીમ કોર્ટનો ઈનકાર
નવી દિલ્હી, 21 માર્ચ, 2026: – Brahmophobia સુપ્રીમ કોર્ટે બ્રાહ્મણ સમુદાય વિરુદ્ધ નફરતભર્યાં ઉચ્ચારણ (Hate Speech), જેને અરજીમાં ‘બ્રાહ્મણ ફોબિયા’ તરીકે ઓળખાવવામાં આવ્યું હતું, તેને જ્ઞાતિ આધારિત ભેદભાવના ગુના તરીકે માન્યતા આપવાની માંગ કરતી અરજી સ્વીકારવાનો પણ 20 માર્ચે ઈનકાર કરી દીધો હતો. અહીં નોંધપાત્ર છે કે, થોડાં વર્ષ પહેલાં કાશ્મીરી પંડિતોએ 1990ના દાયકાના તેમની સાથે થયેલા અમાનવીય અત્યાચારો સામે ન્યાય માગવા અરજી દાખલ કરી ત્યારે પણ એ અરજી અદાલતે સ્વીકારી નહોતી. એવું જ ગઈકાલે “શુક્રવારે” બ્રાહ્મણ ફોબિયા વિરોધી અરજીનું પરિણામ આવ્યું હતું.
જસ્ટિસ બી.વી. નાગરત્નાની અધ્યક્ષતાવાળી બે જજની ખંડપીઠે અરજદાર મહાલિંગમ બાલાજીની રજૂઆતો સાંભળ્યા બાદ આ અરજી ફગાવી દેવાનો નિર્ણય લીધો હતો પરંતુ અરજદારે યોગ્ય મંચ સમક્ષ રજૂઆત કરવા માટે જાતે અરજી પાછી ખેંચવાની પરવાનગી માંગી હતી, જેને સર્વોચ્ચ અદાલતે મંજૂરી આપી હતી.
કોર્ટનું અવલોકન
સુનાવણી દરમિયાન જસ્ટિસ નાગરત્નાએ નોંધ્યું હતું કે કોઈપણ સમુદાય વિરુદ્ધ નફરતભર્યું ભાષણ ન હોવું જોઈએ અને આવા મુદ્દાઓને ભાઈચારો વધારીને ઉકેલી શકાય છે. તેમણે જણાવ્યું હતું કે, “અમે કોઈપણ સમુદાય વિરુદ્ધ નફરતભર્યું ભાષણ ઈચ્છતા નથી. આ બાબત શિક્ષણ, બૌદ્ધિક વિકાસ, સહિષ્ણુતા અને ધીરજ પર આધારિત છે. એકવાર દરેક વ્યક્તિ ભાઈચારાનું પાલન કરશે, તો નફરતભર્યા ભાષણો આપોઆપ બંધ થઈ જશે.”
The Supreme Court declined to entertain a plea seeking recognition of “Brahmophobia” as punishable hate speech, allowing the petitioner to withdraw the case and emphasising fraternity over targeted protections@SukritiMishra12 reports
Read more: https://t.co/wDhtLxveSV pic.twitter.com/xFA4Ht7sJf
— LawBeat (@LawBeatInd) March 20, 2026
અરજીમાં કરાયેલી મુખ્ય માંગણીઓ
કાનૂની માન્યતા: અરજદારે કેન્દ્ર અને રાજ્ય સરકારોને સૂચના આપવા માંગ કરી હતી કે ‘બ્રાહ્મણ ફોબિયા’ને જ્ઞાતિ આધારિત ભેદભાવના ગુના તરીકે સત્તાવાર માન્યતા આપવામાં આવે અને સોશિયલ મીડિયા કે મુખ્ય પ્રવાહના મીડિયામાં થતા આવા હુમલાઓ વિરુદ્ધ ત્વરિત કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે.
તપાસની માંગ: તેમણે જ્ઞાતિ આધારિત સંઘર્ષ ભડકાવવા અથવા બ્રાહ્મણ સમુદાય વિરુદ્ધ નફરત ફેલાવવા માટે ચાલતા સ્થાનિક કે વિદેશી અભિયાનોની કેન્દ્રીય અને રાજ્ય એજન્સીઓ દ્વારા વ્યાપક તપાસ કરવાની વિનંતી કરી હતી.
જાહેર સેવકો (નેતાઓ) વિરુદ્ધ કાર્યવાહી: અરજીમાં એવી પણ માંગ કરવામાં આવી હતી કે જો કોઈ જાહેર સેવક અર્થાત નેતા કે બંધારણીય હોદ્દો ધરાવતી વ્યક્તિ બ્રાહ્મણો વિરુદ્ધ નફરતભર્યું ભાષણ કરે, તો તેમને અયોગ્ય ઠેરવવા જોઈએ.
આ ઉપરાંત, અરજીમાં કેન્દ્ર અને રાજ્ય સરકારોને મુખ્ય પ્રવાહના મીડિયા અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આવા ભાષણો વિરુદ્ધ ત્વરિત કાયદાકીય કાર્યવાહી કરવા નિર્દેશ આપવા વિનંતી કરવામાં આવી હતી.
NCERT અને વ્હાઇટ પેપર: અરજદારે NCERTને પાઠ્યપુસ્તકોમાંથી બ્રાહ્મણોને નકારાત્મક રીતે દર્શાવતા ‘ભ્રામક વિધાનો’ દૂર કરવા અને કેન્દ્ર સરકારને બ્રાહ્મણો સામેના ભેદભાવના મુદ્દાઓ પર શ્વેતપત્ર રજૂ કરવા નિર્દેશ આપવા વિનંતી કરી હતી.
જોકે, અદાલતે ટિપ્પણી કરી હતી કે અરજદાર દ્વારા ઉઠાવવામાં આવેલી ચિંતાઓ યોગ્ય ફોરમ સમક્ષ રજૂ કરી શકાય છે, પરંતુ ન્યાયતંત્ર સમક્ષ નહીં. કોર્ટે સામાજિક જાગૃતિ અને ભાઈચારો વધારવાની જરૂરિયાત પર વિશેષ ભાર મૂક્યો હતો.
અરજદારે બ્રાહ્મણો વિરુદ્ધ જ્ઞાતિ આધારિત નફરત અથવા હિંસા ભડકાવવાના હેતુથી ચલાવવામાં આવતા સ્થાનિક અને વિદેશી સુનિયોજિત અભિયાનોની કેન્દ્રીય અને રાજ્ય એજન્સીઓ દ્વારા વ્યાપક તપાસ કરવાની માંગ કરી હતી.
‘સત્ય અને ન્યાય આયોગ’ની માંગ
અરજીમાં ઐતિહાસિક ઘટનાઓની તપાસ માટે ઉચ્ચ સ્તરીય ‘સત્ય અને ન્યાય આયોગ’ની રચના કરવાની માંગ કરવામાં આવી હતી, જેમાં અરજદારે ઉલ્લેખિત ‘1948 મહારાષ્ટ્ર બ્રાહ્મણ નરસંહાર’ અને ‘1990 કાશ્મીરી પંડિત નરસંહાર’નો સમાવેશ થાય છે. આ સાથે પ્રભાવિત વ્યક્તિઓ અને તેમના વંશજો માટે પુનર્વસન, આર્થિક અને શૈક્ષણિક પગલાં લેવાની પણ રજૂઆત કરવામાં આવી હતી.
અન્ય માંગણીઓમાં, શૈક્ષણિક અભ્યાસક્રમમાં ઐતિહાસિક અત્યાચારોનાં પ્રકરણ ઉમેરવા, જેમાં ‘1984 ના શીખ વિરોધી રમખાણો’ અને ‘1990 માં કાશ્મીરી પંડિતોના પલાયન’નો સંદર્ભ આપવા અને જાહેર ભંડોળથી સ્મારક સંગ્રહાલયો સ્થાપવાની વિનંતી કરવામાં આવી હતી. તેમજ 19 જાન્યુઆરીને ‘નરસંહાર પીડિત એકતા દિવસ’ તરીકે જાહેર કરવાની દરખાસ્ત પણ મૂકવામાં આવી હતી.
સુનાવણી દરમિયાન બાલાજીએ દલીલ કરી હતી કે નફરતભર્યા ભાષણના કાયદાઓનું અમલીકરણ પક્ષપાતી રીતે થઈ રહ્યું છે અને બ્રાહ્મણોને સંગઠિત અભિયાનો દ્વારા નિશાન બનાવવામાં આવી રહ્યા છે. તેમણે કાશ્મીરી પંડિતોના પલાયન સંદર્ભે ‘નરસંહારના ઈનકાર’ (Genocide Denial) અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી.
અદાલતે કહ્યું કે નફરતભર્યા ભાષણ અને સામાજિક સૌહાર્દ અંગેની ચિંતાઓ વાજબી હોવા છતાં, તેના યોગ્ય ઉપાયો ન્યાયિક હસ્તક્ષેપના દાયરાની બહાર છે. અદાલતે સૂચવ્યું હતું કે આવા મુદ્દાઓ યોગ્ય ફોરમ સમક્ષ ઉઠાવી શકાય છે અથવા નીતિગત પગલાં દ્વારા ઉકેલી શકાય છે.
કોર્ટે વિભાજનકારી વર્ણનોનો સામનો કરવા અને સામાજિક એકતા સુનિશ્ચિત કરવા માટે બંધારણીય મૂલ્યો, ખાસ કરીને ભાઈચારાને પ્રોત્સાહન આપવાના મહત્ત્વનો પુનરોચ્ચાર કર્યો હતો. આ અવલોકનો સાથે સુપ્રીમ કોર્ટે આ મામલો બંધ કર્યો હતો અને અરજદારને કાયદા મુજબ વૈકલ્પિક ઉપાયો શોધવા માટે છૂટ આપી હતી.


