
સંદેશખાલી મામલે સુપ્રીમ કોર્ટનો મમતા બેનર્જી સરકારને વેધક સવાલ
નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે સોમવારે (8 જુલાઈ 2024) પશ્ચિમ બંગાળની મમતા સરકારને મોટો ઝટકો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે બંગાળ સરકારની અરજી ફગાવી દીધી હતી, જેમાં કલકત્તા હાઈકોર્ટના નિર્ણયને પડકારવામાં આવ્યો હતો. હાઈકોર્ટે પોતાના નિર્ણયમાં સંદેશખાલીમાં મહિલાઓના યૌન શોષણ, જમીન પચાવી પાડવા અને રાશન કૌભાંડ સાથે જોડાયેલા તમામ મામલામાં સીબીઆઈ તપાસનો આદેશ આપ્યો હતો. કોલકાતા હાઈકોર્ટના નિર્ણયને પડકારતી અરજીને ફગાવી દેતા SCએ મમતા સરકારના વલણ પર પણ સવાલો ઉઠાવ્યા હતા. સુપ્રીમ કોર્ટે કહ્યું કે શા માટે સરકાર વ્યક્તિને બચાવવાનો પ્રયાસ કરી રહી છે?
પ્રાપ્ત માહિતી અનુસાર સંદેશખાલી પ્રકરણમાં તપાસનીશ એજન્સીએ ટીએમસીના પૂર્વ નેતા શાહંજહા શેખની ધરપકડ કરી હતી. શેખની ધરપકડ બાદ ટીએમસીએ તેમને સસ્પેન્ડ કર્યાં હતા. મહિલાઓનું શોષણ, જમીન પચાવી પાડવા સહિતના આરોપોને પગલે સ્થાનિક રાજકારણ ગરમાયું હતું. એટલું જ નહીં કોર્ટની દરમિયાનગીરી બાદ તપાસનીશ એજન્સી મુખ્ય આરોપી મનાતા શેખ સુધી પહોંચી શકી હતી. બીજી તરફ મમતા બેનર્જીની સરકાર દ્વારા શેખને બચાવવાના પ્રયાસ થયાના આરોપો લાગ્યાં હતા. દરમિયાન સમગ્ર કેસની તપાસ સીબીઆઈને સોંપવા માટે હાઈકોર્ટે નિર્દેશ કર્યો હતો. હાઈકોર્ટના નિર્દેશને સરકારે સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો.