
સુરતઃ રસ્તા ઉપર ટ્રાફિકને અડચણરૂપ બે ધાર્મિક સ્થળોનું દબાણ દૂર કરાયું
અમદાવાદઃ ગુજરાતની ડાયમન્ડસિટી સુરતમાં માર્ગની વચ્ચે આવેલા બે ધાર્મિક સ્થળ મંદિર અને દરગાહને પગલે ટ્રાફિકમાં અડચણ ઉભી થતી હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી હતી. દરમિયાન તંત્ર દ્વારા રાત્રિના સમયે જ ગણતરીના કલાકોમાં જ બંને ધાર્મિક સ્થળોનું દબાણ હટાવવામાં આવ્યું હતું. એટલું જ નહીં તાત્કાલિક રોડનું પણ નિર્માણ કરી દેવામાં આવ્યું છે. ધાર્મિક સ્થળોનું દબાણ દૂર કરવાની મનપાની કામગીરી સામે સ્થાનિકોએ વિરોધ કરતા પોલીસે 14 વ્યક્તિઓની અટકાયત કરી હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, સુરત શહેરના ટ્રાફિકથી ધમધણતાં રીંગરોડ વિસ્તારમાં ઘણાં સમય પહેલા બનાવાયેલી એક દરગાહ વાહન ચાલકો માટે આફતરૂપ બની હતી. રસ્તાની વચ્ચોવચ આ દરગાહ બની હોવાથી અનેક અકસ્માત થયા હતા તેની સાથે થોડે દુર મહાકાળી માતાનું મંદિર પણ બનાવી દેવામાં આવ્યું હતું.
આ બન્ને ધાર્મિક સ્થળને કારણે ટ્રાફિક સમસ્યા દિવસેને દિવસે વકરતી હતી, ધાર્મિક સ્થળોને દૂર કરવાની કામગીરીને પગલે પરિસ્થિતિ તંગ બનવાની શકયતા હતી. જેથી તંત્ર દ્વારા કોઈને જાણ કર્યાં વિના રાત્રિના સમયે મનપા તંત્રએ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે દબાણ હટાવવાની કામગીરી કરી હતી.
એટલું જ નહીં તંત્ર દ્વારા દબાણોથી થોડા દૂર બેરીકેટ મુકીને સમગ્ર વિસ્તારને કોર્ડન કરી દેવામાં આવ્યો હતો. મનપા તંત્ર દ્વારા માત્ર બે કલાકના સમયગાળામાં બંને ધાર્મિક સ્થળોનું દબાણ હટાવીને રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો હતો. એટલું જ નહીં રાતોરાત અહીં રસ્તાનું પણ નિર્માણ કરી દેવામાં આવ્યું હતું.