- 100થી વધુ વેપારીઓએ પૉલિસ્ટર યાર્નનો સપ્લાય અટકાવી દીધો
- બન્ને દેશ વચ્ચે 1200 કરોડનો પોલિસ્ટર યાર્નનો વેપાર થતો હતો,
- સુરતના વેપારીઓએ દેશભક્તિનો પરિચય આપ્યો
સુરતઃ કાશ્મીરના પહેલગામમાં પ્રવાસીઓ પર આતંકવાદીઓએ કરેલા હુમલા બાદ ભારતે ઓપરેશન સિંદૂર હાથ ધરીને પાકિસ્તાનને પાઠ ભણાવ્યા છે, એક સમયે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું. ત્યારે પાકિસ્તાનને તુર્કીયે મદદ કરી હતી. તેથી દુશ્મન દેશને મદદ કરવા સામે ભારતીયોમાં તૂર્કીયે સામે આક્રોશ છે. ત્યારે સુરતના યાર્ન વેપારીઓએ તુર્કિયેનો બહિષ્કાર કર્યો છે. પૉલિસ્ટર યાર્નના સૌથી મોટા નિકાસ કેન્દ્રોમાંથી એક સુરત તુર્કિયેને વાર્ષિક 1200 કરોડનું યાર્ન નિકાસ કરે છે, જે હવે સંપૂર્ણપણે બંધ કર્યું છે. સુરતના 100થી વધુ પૉલિસ્ટર યાર્નના વેપારીઓએ યાર્નની સપ્લાય બંધ કરવાનો સામૂહિક નિર્ણય લેતા બોયકૉટ તુર્કિયે અભિયાન શરૂ કર્યું છે. આ નિર્ણયથી બંને દેશોના ટેક્સટાઇલ સેક્ટર પર અસર પડવાની સંભાવના છે.
સૂત્રોના કહેવા મુજબ સુરતથી તુર્કિયે ખાતે દરરોજ 50 થી 70 કન્ટેનર યાર્ન મોકલવામાં આવે છે, જે હવે સંપૂર્ણપણે ઠપ્પ છે. વેપારીઓના મતે તુર્કિયે સતત ભારત વિરોધી ગતિવિધિઓમાં સંડોવાયેલું રહ્યું છે. અને એટલે જ ત્યાં કરોડો રૂપિયાનું યાર્ન મોકલવું યોગ્ય નથી. સુરતથી તુર્કિયેને યાર્ન સપ્લાય બંધ કરવાનો આ નિર્ણય માત્ર એક વ્યાપારિક નિર્ણય નથી, પરંતુ દેશહિતમાં લેવાયેલું પગલું છે. ગત બુધવારથી જ તુર્કિયેને સપ્લાય રોકવામાં આવી છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વેપારીઓએ સર્વાનુમતે નિર્ણય લીધો છે કે હવે કોઈ પણ વેપારી તુર્કીને યાર્ન સપ્લાય કરશે નહીં. 1200 કરોડ રૂપિયાના આ વેપારને રોકવા પાછળ વેપારીઓની એકતા અને જાગૃતિ દર્શાવે છે કે ભારતીય વેપારીઓ પણ દેશના સાર્વભૌમત્વ અને ગરિમાના મુદ્દાઓ સાથે કોઇ સમાધાન કરશે નહીં.
સુરતના યાર્ન વેપારમાં એક ઐતિહાસિક વળાંક છે. અત્યાર સુધી સુરતથી દરરોજ 50 થી 70 કન્ટેનર તુર્કિયે ખાતે પૉલિસ્ટર યાર્ન મોકલવામાં આવતું હતું. આ યાર્નનો ત્યાં ફેબ્રિક નિર્માણ માટે ઉપયોગ કરાતો હતો. સુરતના વેપારીઓના આ સામૂહિક નિર્ણય બાદ તુર્કીના કાપડ ઉદ્યોગને પણ મોટો ફટકો પડી શકે છે. એ નોંધનીય છે કે ભારતમાંથી અઝરબૈજાન જેવા દેશોમાં પોલિએસ્ટર યાર્ન મોકલવામાં આવતું નથી. હવે સપ્લાય બંધ થતા તુર્કિયેના મેન્યુફેક્ચરિંગ યુનિટ્સને અસર થશે.