
અમદાવાદઃ સુરતના ડુમસ પાસે યુવતી ઉપર સામુહિક બળાત્કાર ગુજારવાના કેસમાં અદાલતે બે આરોપીઓને કસુરવાર ઠરાવીને અંતિમ શ્વાસ સુધી કેદની સજાનો આદેશ કર્યો હતો. તેમજ પીડિતાને રૂ. 5 લાખનું વળતર ચુકવવા નિર્દેશ કર્યો હતો. અગાઉ આ કેસમાં અદાલતે બે આરોપીઓને ગુનેગાર ઠરાવીને સજા ફરમાવી હતી.
કેસની હકીકત અનુસાર સુરતમાં ડુમસ ચોપાટી વન વિભાગની ઝાડીમાં સિમેન્ટના બાંકડા પર ગઈ તા.28મી ઓક્ટોબર 2011ના રોજ યુવતી તથા તેનો મંગેતર બેઠા હતા. ત્યારે આરોપી કનૈયા વાલ્મિકી સિંગ ભુમિહાર (રહે, વરાછા), રાજકુમાર ઉર્ફે મુથુલ ઉર્ફે કુદો શ્યામલી સિંહ ભુમિહાર (રહે. હરીયાણા), જીતેન્દ્રકુમાર ઉર્ફે રાજુ મધુસુદનસિંગ ભુમિહાર, કમલનયન સિંગ ક્રિષ્ણાનંદસિંગ ભુમિહાર નામના શખ્સો યુવતી અને તેના મંગેતર પાસે આવ્યા હતા અને બંને જણા કંઈ સમજે તે પહેલા જ યુવતી અને તેના મંગેતરને માર માર્યો હતો. તેમજ યુવાનના હાથ-પગ બાંધીને મારી નાખવાની ધમકી આપીને આરોપીઓએ યુવતી ઉપર સામુહિક બળાત્કાર ગુજાર્યો હતો. તેમજ રોકડ અને સોનાના દાગીના મળીને કિંમતી વસ્તુઓની લૂંટ ચલાવી હતી. આ બનાવ અંગે પોલીસે ગુનો નોંધીને જીતેન્દ્ર અને કમલનયન નામના આરોપીઓને ઝડપી લીધા હતા. જ્યારે અન્ય આરોપીઓ ભાગી ગયા હતા. આ દરમિયાન અદાલતમાં કેસ ચાલી જતા કોર્ટ બંને આરોપીઓને કસુરવાર ઠરાવીને સજા ફરમાવી હતી.
વર્ષ 2018માં ફરાર કનૈયા ભૂમિહારી તથા રાજકુમાર ઉર્ફે મુથુલ ભૂમિહારની ધરપકડ કરીને અદાલતમાં ચાર્જશીટ ફાઈલ કરી હતી. બંને આરોપીઓ સામે કેસ ચાલી જતા સરકારી વકીલે દસ્તાવેજી પુરાવા રજુ કરીને સાક્ષીઓ તપાસ્યા હતા. અદાલતે સુનાવણીના અંતે બંને આરોપીઓને ગેંગરેપમાં કસુરવાર ઠરાવીને જીવે ત્યાં સુધીની આજીવન કેદની સજાનો આદેશ કર્યો હતો. તેમજ પીડિતાને રૂ. 5 લાખનું વળતર ચુકવવા હુકમ કર્યો હતો.