Site icon Revoi.in

સુરતના ટેક્સટાઈલ ઉદ્યોગને 5 રાજ્યોની ચૂંટણીને લીધે ઝંડા-બેનર્સ અને સાડીઓનો મળ્યો ઓર્ડર

Social Share

સુરત,18 માર્ચ 2026: Textile industry gets orders due to elections in 5 states દેશમાં પશ્વિમ બંગાળ, આસામ, કેરળ, પુડુચેરી, તમિલનાડુની વિધાનસભાની ચૂટણી જાહેર થતાં જ રાજકીય પક્ષો દ્વારા પ્રચાર શરૂ કરી દેવામાં આવ્યો છે. આ પાંચેય રાજ્યાની ચૂંટણીને લીધે સુરતના ટેક્સટાઈલ ઉદ્યોગને બેનર્સ, ખેસ, પાર્ટીના સિમ્બોલવાળી સાડીઓ, દુપટ્ટા, ઝંડા વગેરેનો મોટો ઓર્ડર મળ્યો છે. ભાજપના તમામ ચૂંટણીના બેનર્સ, ખેસ, ટોપી અને પ્રચાર મટીરીયલ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ફોટા પ્રિન્ટ કરવામાં આવ્યા છે. ભાજપે મહિલાઓને આકર્ષલા માટે સૌથી વધુ સાડીઓનો ઓર્ડર આપ્યો છે. જ્યારે તૃણમૂલ કોંગ્રેસ (TMC) દ્વારા મમતા બેનર્જીના ફોટાવાળા દુપટ્ટા અને ખેસનો પણ મોટો ઓર્ડર આપવામાં આવ્યો છે.

 ભારતના પાંચ રાજ્યો  આસામ, કેરળ, પુડુચેરી, તમિલનાડુ અને પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણી જાહેર થતા જ સુરતનું ટેક્સટાઈલ માર્કેટ એક્શન મોડમાં આવી ગયું છે. ખાસ કરીને પશ્ચિમ બંગાળની હાઈ-વોલ્ટેજ ચૂંટણીને ધ્યાનમાં રાખીને સુરતના કાપડ વેપારીઓને કરોડોના ઓર્ડર મળ્યા છે. આ વખતે બંગાળમાં ભાજપ અને તૃણમૂલ કોંગ્રેસ વચ્ચે ખરાખરીનો જંગ છે, પરંતુ પ્રચાર સામગ્રીની ખરીદીમાં ભાજપે અત્યારથી જ લીડ મેળવી લીધી હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે

સુરતના ટેક્સટાઈલ ઉદ્યોગને વિધાનસભા હોય કે લોકસભા દરેક ચૂંટણીમાં તમામ રાજકીય પક્ષો પ્રચાર માટેના મટીરીયલ્સનો ઓર્ડર આપતા હોય છે. હાલ 5 રાજ્યોની ચૂંટણીને લીધે સુરતના અંદાજે 25થી 30 જેટલા મોટા વેપારીઓ દિવસ-રાત ચૂંટણીલક્ષી સામગ્રી તૈયાર કરી રહ્યા છે. આ વેપારીઓ મુખ્યત્ત્વે કાપડના ઝંડા, ખેસ, દુપટ્ટા અને સાડીઓનું ઉત્પાદન કરી રહ્યા છે. વેપારીઓને ₹25 થી ₹30 કરોડ સુધીનો મોટો વેપાર મળવાની પૂરેપૂરી શક્યતા છે.

ટેક્સટાઈલના એક વેપારીના કહેવા મુજબ આ વખતે પશ્ચિમ બંગાળ અને આસામમાં ભાજપ ખૂબ જ જોર લગાવી રહ્યું છે. ખાસ કરીને બંગાળમાં ભાજપની રણનીતિ આક્રમક છે, જે તેમના ઓર્ડર પરથી સ્પષ્ટ દેખાય છે. અગાઉની ચૂંટણીઓની સરખામણીએ આ વખતે ભાજપે પ્રચાર મટીરીયલની ખરીદીમાં ધરખમ વધારો કર્યો છે. બંગાળના ગલી-મહોલ્લાઓમાં કેસરીયો રંગ લહેરાવવા માટે અત્યારથી જ સુરતથી ટ્રકો ભરીને માલ રવાના થઈ રહ્યો છે. ચૂંટણી પ્રચારમાં પીએમ નરેન્દ્ર મોદીનો ચહેરો સૌથી મોટું હથિયાર સાબિત થઈ રહ્યો છે. સુરતમાં તૈયાર થઈ રહેલી પ્રત્યેક આઈટમમાં પીએમ મોદીનો ફોટો અને નામ છવાયેલા છે. પછી ભલે તે માથા પર પહેરવાની ટોપી હોય, ગળામાં પહેરવાનો ખેસ હોય કે પછી મહિલાઓ માટેની સાડી હોય, દરેક જગ્યાએ ‘મોદી મેજિક’ જોવા મળી રહ્યો છે. ભાજપના કાર્યકરો માટે ખાસ ડિઝાઈન કરેલા ખેસ અને ઝંડાઓની ડિમાન્ડ સૌથી વધુ છે. શહેરમાંથી અંદાજે 1.5થી 2 લાખ જેટલી સાડીઓ પશ્ચિમ બંગાળ મોકલવામાં આવી રહી છે. વેપારીઓના મતે, આદિવાસી અને ગ્રામીણ વિસ્તારોમાં પ્રચાર માટે આ સાડીઓ વહેંચવામાં આવે છે. માત્ર ભાજપ જ નહીં, તૃણમૂલ કોંગ્રેસ (TMC) પણ સુરતથી માલ મંગાવી રહી છે. મમતા બેનર્જીના ફોટાવાળા દુપટ્ટા અને ખેસની પણ બજારમાં માગ છે. જોકે, વેપારીઓનું માનવું છે કે આ વખતે TMCની સરખામણીએ ભાજપના ઓર્ડરનું પ્રમાણ ઘણું વધારે છે. ભાજપના નેતાઓ દ્વારા જે પ્રકારે એડવાન્સ બુકિંગ અને જથ્થાબંધ ખરીદી કરવામાં આવી છે, તે જોતા બંગાળમાં આ વખતે કાંટે કી ટક્કર જોવા મળશે.

Exit mobile version