Site icon Revoi.in

દક્ષિણ ભારતમાં સર્જાયેલા દિતવા ચક્રવાતને લીધે સુરતના કાપડ ઉદ્યોગને પડ્યો ફટકો

Social Share

સુરતઃ દક્ષિણ ભારતના તામિલનાડુ સહિત રાજ્યોમાં તાજેતરમાં સર્જાયેલા દિતવા ચક્રવાતે ભારે ખાના ખરાબી કરી હતી. ચેન્નાઈ સહિત શહેરોમાં વેપાર ઉદ્યોગને સારૂએવું નુકસાન થયું છે. જ્યારે સુરતના કાપડ ઉદ્યોગને પણ ફટકો પડ્યો છે. કારણ કે સુરતથી તામિલનાડુ સહિતના રાજ્યોમાં કરોડો રૂપિયાનું કાપડ મોકલવામાં આવતું હતું. ખાસ કરીને પોંગલના તહેવારોમાં સુરતના કાપડની સારી માગ રહેતી હતી. પણ વાવાઝોડાને લીધે દક્ષિણ ભારતના વેપારીઓએ ઓર્ડર કેન્સલ કરાવતા સુરતના કાપડ ઉદ્યોગને ફટકો પડ્યો છે.

દક્ષિણ ભારતમાં તાજેતરમાં આવેલા દિતવા ચક્રવાતી તોફાને સુરતના ગતિશીલ ટેક્સટાઇલ ઉદ્યોગને ફરી એકવાર ગંભીર ફટકો માર્યો છે. ચેન્નઈ અને તમિલનાડુના દરિયાકાંઠાના વિસ્તારોમાં થયેલા ભારે વરસાદ અને પૂર જેવી પરિસ્થિતિઓને કારણે ત્યાંની મુખ્ય કાપડ બજારો સંપૂર્ણપણે ઠપ થઈ ગઈ છે. પોંગલના મોટા તહેવારની સિઝનમાં સુરતથી કરોડોનો વેપાર કરતા 7-8 હજાર જેટલા વેપારીઓ સીધી અસર હેઠળ આવ્યા છે. જો સ્થિતિ સામાન્ય નહીં થાય તો ઉદ્યોગને અંદાજે 200 કરોડ સુધીનું મોટું નુકસાન થવાનો ભય ઊભો થયો છે.

દક્ષિણ ભારતમાં પોંગલ પર્વમાં સૌથી મોટી પરંપરાગત ખરીદીની સિઝન ગણવામાં આવે છે. સામાન્ય રીતે આ સિઝન નવેમ્બર 15થી શરૂ થાય છે અને ડિસેમ્બર મહિનો તેનો પીક ટાઇમ ગણાય છે. આંધ્ર પ્રદેશ, તમિલનાડુ, કેરળ અને કર્ણાટકમાં સુરતની સાડીઓ, સૂટિંગ-શર્ટિંગ, ડ્રેસ મટિરિયલ અને ફેન્સી ફેબ્રિકની ભારે માંગ રહે છે. ઉદ્યોગ જગત દ્વારા આ વર્ષે 800 કરોડથી 1000 કરોડના વેપારની અપેક્ષા રાખવામાં આવી હતી. ગત વર્ષે આ બિઝનેસ લગભગ 900 કરોડ સુધી પહોંચ્યો હતો. જો કે આ વખતે  દિતવા વાવાઝોડાને કારણે સિઝનની શરૂઆતમાં જ પરિસ્થિતિ એટલી હદે વણસી ગઈ છે કે જો આગામી એક સપ્તાહમાં દક્ષિણ ભારતમાં સ્થિતિ થાળે નહીં પડે, તો એકંદરે વેપાર 20%થી 30% સુધી પ્રભાવિત થવાની પ્રબળ સંભાવના છે, જે 200 કરોડ કે તેનાથી વધુનું નુકસાન સૂચવે છે.

ટેક્સટાઇલ એસોસિએશનોનું કહેવું છે કે, પોંગલ એક ફિક્સ્ડ ડેટ વાળો તહેવાર છે. જો બજારો સમયસર નહીં ખૂલે તો ખરીદીની માગ ઓછી થઈ જશે અને વેપારીઓનો મોટો સ્ટોક તૈયાર માલના રૂપમાં પડી રહેશે. સુરતના કુલ ટેક્સટાઇલ બિઝનેસનો આશરે 30-35% હિસ્સો દક્ષિણ ભારતના બજારો પર નિર્ભર રહે છે.

Exit mobile version