1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. સુરતનો કાપડ ઉદ્યોગ ફરીવાર મંદીમાં સપડાયો, લગ્નસરાની સીઝનમાં પણ ઘરાકી ન નીકળી
સુરતનો કાપડ ઉદ્યોગ ફરીવાર મંદીમાં સપડાયો, લગ્નસરાની સીઝનમાં પણ ઘરાકી ન નીકળી

સુરતનો કાપડ ઉદ્યોગ ફરીવાર મંદીમાં સપડાયો, લગ્નસરાની સીઝનમાં પણ ઘરાકી ન નીકળી

0
Social Share

સુરત :  દેશમાં પેટ્રોલ, ડીઝલ, ગેસના આસમાને પહોચેલા ભાવને લીધે જીવન જરૂરિયાતની વસ્તુઓના ભાવમાં પણ અસામાન્ય વધારો થયો છે. મોંઘવારી સામે ટકવા લોકો પોતાના ખર્ચમાં પણ ઘટાડો કરી રહ્યા છે. અસહ્ય મોંઘવારીને લીધે લોકોની ખરીદ શક્તિ પણ ઘટી ગઈ છે. ત્યારે સુરતનો કાપડ ઉદ્યોગ પણ મંદીની ગર્તામાં ધકેલાયો છે. લગ્નસરાની સીઝન હોવા છતાં કાપડના વેપાર પર 70 ટકા અસર જોવા મળી રહી છે. જેને કારણે કાપડના વેપારીઓને રડવાનો વારો આવ્યો છે. ખરીદેલો માલ નહિ વેચાતા દુકાનમાં કપડાના ઢગલા જોવા મળી રહ્યાં છે.

સૂત્રોના જણાવ્યા મુજબ સુરતનો કાપડ ઉદ્યોગ સમગ્ર વિશ્વમાં જાણીતો છે. સુરતના કાપડ ઉદ્યોગને પણ કોઈની નજર લાગી ગઈ હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે પહેલાં નોટબંધી, બાદમાં કોરોના અને હવે મોંઘવારીને કારણે માર્કેટમાં મંદીનો માહોલ જોવા મળી રહી છે. સુરતમાં દરરોજ ચાર કરોડ મીટર કાપડનું ઉત્પાદન થાય છે. હાલ લગ્નસરાની સીઝન ચાલી રહી છે અને વેપારીઓને આશા હતી કે આ સિઝનમાં કાપડની ડિમાન્ડ દેશભરમાં સારી રહેશે અને અગાઉ થયેલી નુકશાનીની ભરપાઈ થઈ જશે. પરંતુ હાલ દેશમાં સતત વધી રહેલી મોંઘવારીના કારણે ટેક્સટાઈલ ઉદ્યોગમાં કાપડની ડિમાન્ડ ખૂબ જ ઓછી જોવા મળી રહી છે. જેની સીધી અસર કાપડ ઉદ્યોગ પર જોવા મળી છે. હાલ ટેક્સટાઇલ ઉદ્યોગ મંદીમાંથી પસાર થઇ રહ્યો છે. જેમાં વેપારીઓનું માનવું છે કે લગ્નસરાની સિઝનમાં આવી મંદી અત્યાર સુધી જોવા મળી નથી.

ફેડરેશન ઓફ ટેકસટાઇલ ટ્રેડર્સ એસોસિએશનના સૂત્રોએ જણાવ્યું હતું કે, સતત વધી રહેલા પેટ્રોલ અને ડિઝલના ભાવની સાથો સાથ યાર્નના પણ ભાવમાં વધારો નોંધાયો છે. મોંઘવારી વધતા લોકોએ કાપડની ખરીદી ઓછી કરી દીધી છે. અગાઉ રમજાન અને લગ્નસરાની ખરીદી સારી હતી. ટ્રકો ઓછી પડી રહી હતી. રોજે 400 થી 450 જેટલી ટ્રકો સુરતથી રવાના થતી હતી. પરંતુ આજે આ આંકડો 100 પર આવી ગયો છે.

સુરતના કાપડના એક વેપારીએ જણાવ્યું હતું કે, જૂન-જુલાઈમાં વરસાદના કારણે ખરીદી આમ પણ ઓછી થતી હોય છે. પરંતુ લગ્નસરાની સીઝનમાં આટલી હદે ઓછી ખરીદી હશે એ અંગે કલ્પના કરી ન હતી. હવે રક્ષાબંધનની ખરીદી આવશે. જેમાં આશા છે કે વેપારીઓ પાસેથી મોટી સંખ્યામાં કાપડની ખરીદીના ઓર્ડર આવશે. હાલની મંદીને કારણે નાના વેપારીઓનો સૌથી વધુ મરો છે. કેટલાય એવા છે જેમને પોતાની ભાડાની દુકાન બંધ કરી નાંખી છે. જ્યારે કેટલાય એવા વેપારી છે તેઓ દેવાદાર બની ગયા છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code