
સુરેન્દ્રનગરઃ ધોળી ધજા ડેમ પુરો ભરાતા ખેડૂતોમાં ખુશી
અમદાવાદઃ ગુજરાતમાં હાલ મેઘરાજાએ વિરામ લીધો છે પરંતુ ચાલે વર્ષે ચોમાસામાં મેઘરાજા મનમુકીને વરસ્યાં હોવાથી જળાશયોમાં નવા પાણીની જંગી આવક થઈ છે. દરમિયાન નર્મદાના પાણી નહેર મારફતે ધોળી ધજા ડેમમાં નવા પાણીની આવક થતા ડેમ સંપૂર્ણ પર્ણે ભરાયો છે અને નીચાણવાળા વિસ્તારમાં વસવાટ કરતા લોકોને સાબદા રહેવા માટે તાકીદ કરવામાં આવી છે. ડેમ છલકાતાં ખેડૂતોમાં પણ ખુશી ફેલાઈ છે.
સુરેન્દ્રનગર જિલ્લાનો ધોળી ધજા ડેમ પૂર્ણ સપાટીએ ભરાતા નીચાણવાળા વિસ્તારોને સાવચેત રહેવા તાકીદ કરાઈ છે. નર્મદા નદીની નહેરમાંથી ધોળી ધજા ડેમમાં પાણીની આવક થતાં ડેમ સંપૂર્ણપણે ભરાઈ ગયો છે અને ડેમની હાલની સપાટી 80.48 મીટરે પહોંચી છે.
ડેમ ભરાઈ જવાને પગલે સુરેન્દ્રનગર જિલ્લાના સુરેન્દ્રનગર શહેર, રતનપર, જોરાવરનગર, વઢવાણ તાલુકાના ખમીસણા, વઢવાણ, મેમકા, સાંકળી, ભડિયાદ, નાના કેરાળા અને લીંબડી તાલુકાના શિયાણી સહિતના ગામોને સાવચેત રહેવા જણાવવામાં આવ્યું છે.
તેમજ ભોગાવો નદીના પટમાં અવરજવર બંધ કરવા સૂચના અપાઈ છે આ ઉપરાંત માલધારીઓને પણ જણાવવામાં આવ્યું છે કે નદીના પટ વિસ્તારમાં પશુઓને ચરવા માટે ન લઈ જાય.
સુરેન્દ્રનગર જિલ્લામાં હાલમાં વરસાદ નથી થયો પરંતુ ઉપરવાસમાંથી પાણી આવવાને પગલે ધોળી ધજા ડેમ ભરાઈ ગયો છે. ધોળી ધજા ડેમમાંથી ખેડૂતોને સિંચાઈ તેમજ પીવાના પાણી માટેની જરૂરિયાત પૂરી કરવામાં આવે છે