સૂર્યકુમાર યાદવ અને જય શાહ ટ્રોફી સાથે હનુમાન મંદિરે પહોંચ્યા
અમદાવાદ, 9 માર્ચ 2026: ભારતીય ક્રિકેટ ટીમે T20 વર્લ્ડ કપ 2026 જીતીને ઈતિહાસ રચી દીધો છે. રવિવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ન્યુઝીલેન્ડને 96 રને હરાવી સતત બીજી વખત ખિતાબ જીત્યા બાદ ભારતીય કેપ્ટન અને મેનેજમેન્ટ ભગવાનના આશીર્વાદ લેવા પહોંચ્યા હતા. વિશ્વ ચેમ્પિયન બન્યા બાદ કેપ્ટન સૂર્યકુમાર યાદવ, હેડ કોચ ગૌતમ ગંભીર, ICC પ્રમુખ જય શાહ અને BCCI સચિવ દેવજીત સૈકિયાએ અમદાવાદ સ્થિત હનુમાન મંદિરે પહોંચી પૂજા-અર્ચના કરી હતી.
વિશ્વ વિજેતા બન્યા બાદ કેપ્ટન સૂર્યકુમાર યાદવ વિજયી ટ્રોફી સાથે મંદિર પહોંચ્યા હતા. મંદિરના પૂજારીઓ દ્વારા વિધિવત પૂજા કરાવવામાં આવી હતી અને ટીમને આશીર્વાદ આપવામાં આવ્યા હતા. આ જીત સાથે ટીમ ઈન્ડિયાએ ક્રિકેટ જગતમાં અનેક નવા રેકોર્ડ્સ પ્રસ્થાપિત કર્યા છે. ત્રણ વખત T20 વર્લ્ડ કપ જીતનારી વિશ્વની પ્રથમ ટીમ બની છે. સતત બે વખત T20 વર્લ્ડ કપનો ખિતાબ જીતવાનો રેકોર્ડ બનાવ્યો છે. પોતાની ધરતી પર T20 વર્લ્ડ કપ જીતનારો પ્રથમ દેશ બન્યો છે.
ફાઈનલ મુકાબલામાં ન્યુઝીલેન્ડના કેપ્ટન મિશેલ સેન્ટનરે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ પસંદ કરી હતી. જોકે, ભારતીય બેટ્સમેનોએ આ નિર્ણયને ખોટો સાબિત કરતા 5 વિકેટે 255 રનનો વિશાળ સ્કોર ખડક્યો હતો. 256 રનના લક્ષ્યાંકનો પીછો કરતા ન્યુઝીલેન્ડની આખી ટીમ 19 ઓવરમાં માત્ર 159 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.
સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન સાતત્યપૂર્ણ પ્રદર્શન કરનાર સંજુ સેમસનને પ્લેયર ઓફ ધ સીરીઝ જાહેર કરવામાં આવ્યો હતો. તેણે ફાઈનલમાં 89 રન ઉપરાંત વેસ્ટ ઈન્ડિઝ સામે અણનમ 97 અને ઈંગ્લેન્ડ સામે સેમીફાઈનલમાં 89 રન ફટકારી ભારતની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
આ પણ વાંચોઃ ત્રીજી વખત વિશ્વ વિજેતા બનનાર ટીમ ઈન્ડિયાને પીએમ મોદીએ પાઠવી શુભેચ્છાઓ


