Site icon Revoi.in

દક્ષિણ ત્રિપુરામાં શંકાસ્પદ પાકિસ્તાની મહિલા ઝડપાઈ, નશીલા પદાર્થોની હેરાફેરીમાં સંડોવણીની શંકા

Social Share

નવી દિલ્હીઃ દક્ષિણ ત્રિપુરા જિલ્લાના સરહદી શહેર સબરુમમાં પોલીસે એક શંકાસ્પદ પાકિસ્તાની મહિલાની ધરપકડ કરી છે. મળતી માહિતી મુજબ, 65 વર્ષીય આ મહિલા ડ્રગ તસ્કરીમાં સંકળાયેલી હોવાનું માનવામાં આવી રહ્યું છે અને તે નેપાળની જેલમાંથી ભાગીને ભારતમાં પ્રવેશી હતી.

પોલીસ અધિકારી નિત્યાનંદ સરકારએ જણાવ્યું કે, મહિલાનું નામ લુઈ નિઘત અખ્તર છે. તેને સબરુમ રેલવે સ્ટેશન પર રાજકીય રેલવે પોલીસ (GRP)એ અટકાવી હતી અને બાદમાં વધુ પૂછપરછ માટે સ્થાનિક પોલીસ સ્ટેશનને સોંપી દેવામાં આવી હતી.

સરકારએ જણાવ્યું કે, “પ્રાથમિક શંકા છે કે તે બાંગ્લાદેશની સરહદ પાર કરવાની મનશાથી અહીં આવી હતી. હાલમાં પોલીસ તથા અન્ય સુરક્ષા એજન્સીઓ તેના હેતુઓ અને ગતિવિધિઓ અંગે વધુ માહિતી મેળવવા માટે પૂછપરછ કરી રહી છે.

પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, આ મહિલા નેપાળની એક જેલમાંથી ફરાર થઈ હતી અને તેના પાકિસ્તાની સંબંધો હોઈ શકે છે, જોકે તેની નાગરિકતા અંગે હજી સત્તાવાર પુષ્ટિ થઈ નથી. તેની ઓળખ તથા તે ક્યાંથી આવી તે અંગે તપાસ ચાલુ છે.

મળતી માહિતી અનુસાર, મહિલા પાકિસ્તાનના શેખપુરા નિવાસી મોહમ્મદ ગોલાફ ફરાજની પત્ની છે. તે લગભગ 12 વર્ષ પહેલાં પાકિસ્તાની પાસપોર્ટ પર નેપાળમાં પ્રવેશી હતી અને ત્યાંથી નશીલા પદાર્થોની હેરાફેરી શરૂ કરી હતી. રિપોર્ટ્સ મુજબ, 2014માં નેપાળ પોલીસે તેને એક કિલો બ્રાઉન સુગરસાથે પકડેલી, જેના કારણે તેને 15 વર્ષની જેલ સજા ફટકારવામાં આવી હતી. તે ગયા મહિને સુધી કાઠમંડુ જેલમાં સજા ભોગવી રહી હતી, પરંતુ જેલમાં થયેલા હિંસક વિરોધ પ્રદર્શનો દરમિયાન તે ભાગી ગઈ હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, સપ્ટેમ્બર 2025માં નેપાળમાં થયેલા સરકાર વિરોધી હિંસક આંદોલનો દરમિયાન મોટી સંખ્યામાં કેદીઓ જેલમાંથી ભાગી ગયા હતા. તે સમય દરમિયાન દેશભરમાંથી 13 હજારથી વધુ કેદીઓ ફરાર થયા, જેમાંથી ઘણાને પછી ભારતમાં પ્રવેશવાનો પ્રયાસ કરતી વખતે ધરપકડ કરવામાં આવી હતી.