જમ્મુમાં પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઇન્સ લખેલો શંકાસ્પદ ફુગ્ગો મળ્યો, LoC પર ડ્રોન દેખાતા સેનાનું સર્ચ ઓપરેશન
જમ્મુ, 28 ફેબ્રુઆરી 2026: જમ્મુ-કાશ્મીરમાં આંતરરાષ્ટ્રીય સરહદ અને લાઇન ઓફ કંટ્રોલ (LoC) પર પાકિસ્તાની નાપાક હરકતો અટકવાનું નામ નથી લઈ રહી. જમ્મુના ફાલૈન મંડલ વિસ્તારમાંથી શનિવારે ‘પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઇન્સ’ લખેલો એક શંકાસ્પદ ફુગ્ગો મળી આવતા સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે. પોલીસે આ ફુગ્ગાને જપ્ત કરીને તપાસ શરૂ કરી છે. આ ફુગ્ગા પર અંગ્રેજી અને ઉર્દૂ ભાષામાં PIA લખેલું છે.
આ પહેલા શુક્રવારે પૂંચ જિલ્લાના ગુલપુર સેક્ટરમાં LoC પાસે એક શંકાસ્પદ ડ્રોન દેખાયું હતું. સતર્ક સૈનિકોએ ડ્રોન પર તાબડતોબ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું, પરંતુ ડ્રોન તોડી પાડી શકાયું નહોતું. અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ ડ્રોન બાદમાં ગુલપુરના સિરિયાં ગામ તરફ આગળ વધીને ફરી પાકિસ્તાની સરહદમાં ઘૂસી ગયું હતું. આ ઘટના બાદ સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે જેથી ખાતરી કરી શકાય કે ડ્રોન દ્વારા કોઈ હથિયાર કે નશીલા પદાર્થોની એરડ્રોપિંગ કરવામાં આવી નથી.
નોંધનીય છે કે, આ મહિનાની શરૂઆતમાં જમ્મુ પોલીસ અને BSF એ સંયુક્ત ઓપરેશન દરમિયાન RS પુરા સેક્ટરમાં આંતરરાષ્ટ્રીય સરહદ પાસેથી અંદાજે 40 કરોડ રૂપિયાની કિંમતનું 6 કિલો ડ્રગ્સ જપ્ત કર્યું હતું. આ નશીલો પદાર્થ પાકિસ્તાની ડ્રોન દ્વારા ભારતીય સરહદમાં ફેંકવામાં આવ્યો હતો.
સરહદ પર વારંવાર જોવા મળતા ડ્રોન અને શંકાસ્પદ ફુગ્ગાઓને જોતા સુરક્ષા દળોએ દેખરેખ વધારી દીધી છે. જમ્મુ-કાશ્મીર પોલીસ અને સેના સંયુક્ત રીતે સરહદી ગામોમાં તપાસ કરી રહી છે જેથી દુશ્મનની કોઈ પણ હરકતને નિષ્ફળ બનાવી શકાય.
આ પણ વાંચોઃ અમેરિકા અને ઇઝરાયેલના ઈરાન પર ભીષણ હુમલા, તેહરાન ધડાકાઓથી ગાજ્યું


