Site icon Revoi.in

જાફરાબાદ નજીક દરિયામાં 22 નોટિકલ માઈલ દુર શંકાસ્પદ બોટ જોવા મળી

Social Share

અમરેલીઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે હાલ તનાવભરી સ્થિતિને લીધે દરિયાઈ વિસ્તારની સીમા પર સઘન પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. દરમિયાન આજે જાફરાબાદના દરિયાઈ સીમામાં શંકાસ્પદ બોટની હલચલ જોવા મળી હતી. જાફરાબાદ બંદરથી 22 નોટિકલ માઈલ દૂર મળેલી બોટ કોસ્ટગાર્ડને જોઈ ભાગી હતી. હેલિકોપ્ટર દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. બોટનો કાઈ અત્તો-પત્તો લાગ્યો નથી. સૌરાષ્ટ્રના બંદરો પર એલર્ટ આપવામાં આવ્યું છે.

અમરેલી જિલ્લાના જાફરાબાદ બંદરથી 22 નોટિકલ માઈલ દૂર એક શંકાસ્પદ બોટની હલચલ જોવા મળી છે. સ્થાનિક માછીમારોએ આ બોટને જોતાં તેનો પીછો કરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, બોટ ઝડપથી ભાગી રહી છે. માછીમારોએ કોસ્ટગાર્ડને જાણ કરતાં તુરંત જ હેલિકોપ્ટર સાથે કોસ્ટગાર્ડની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. હેલિકોપ્ટર જ્યારે બોટની નજીક ઉતરવાનો પ્રયાસ કર્યો હતો.  ત્યારે બોટ ભાગી રહી હતી. આ શંકાસ્પદ પરિસ્થિતિને જોતાં તમામ બંદરો પર એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

જાફરાબાદ બોટ એસોસિએશનના પ્રમુખના કહેવા મુજબ  બોટમાં કેટલાક લોકો હતા. માછીમારો તેમની સાથે વાતચીત કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ બોટ તેજ ગતિથી પલાયન થઈ હતી. સ્થાનિક માછીમારો કોસ્ટગાર્ડને સંપૂર્ણ સહયોગ આપી રહ્યા છે. નેવી અને કોસ્ટગાર્ડની ટીમો સતર્ક બની તપાસ કરી રહી છે  દરમિયાન જાફરાબાદના દરિયા કાંઠે શંકાસ્પદ બોટની ઘટનાને પગલે ધારાસભ્ય હીરા સોલંકી પણ બંદરે પહોંચ્યા હતા. વાયરલેસ મારફતે મધ દરિયે માછીમારો સાથે વાતચીત કરી હતી. અંદરની સ્થિતિ અને શંકાસ્પદ બોટ અંગે માહિતી મેળવી હતી.

પીપાવાવ મરીન પોલીસની બોટ દ્વારા પણ પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું છે. તમામ લેન્ડિંગ પોઇન્ટ પર પોલીસ વોચ રાખી રહી છે. કોસ્ટગાર્ડ દ્વારા બોટને પકડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જોકે, શંકાસ્પદ બોટ અંગે હજુ સુધી કોઈ માહિતી મળી નથી.