Site icon Revoi.in

સ્વચ્છતા સર્વેક્ષણ 2024, અમદાવાદ, સુરત અને ગાંધીનગરને રાષ્ટ્રપતિના હસ્તે એવોર્ડ એનાયત

Social Share

ગાંધીનગરઃ  કેન્દ્ર સરકાર દ્વારા સ્વચ્છતા સર્વેક્ષણ 2024 અંતર્ગત અમદાવાદ, સુરત અને ગાંધીનગરને આજે દિલ્હી ખાતે રાષ્ટ્રપતિના હસ્તે એવોર્ડ એનાયત કરાયા હતા. 10 લાખથી વધુ વસ્તી ધરાવતાં સૌથી સ્વચ્છ શહેરોમાં ગુજરાતના અમદાવાદે બાજી મારી છે. 2015માં અમદાવાદનો નંબર 15મો હતો, જ્યાંથી આ વર્ષે પ્રથમ નંબરે આવ્યું છે. જ્યારે દેશમાં સ્વચ્છતામાં પ્રથમ નંબર ઇન્દોરનો અને બીજો નંબર સુરતનો આવ્યો છે. સ્વચ્છતામાં સુરતને બીજો નંબર મળતા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને મેયર સહિતના પદાધિકારીઓ દ્વારા રાષ્ટ્રપતિના હસ્તે એવોર્ડ મેળવ્યો હતો. સ્વચ્છતા સર્વેક્ષણ એવોર્ડમાં ગુજરાતના અમદાવાદ, સુરત અને ગાંધીનગરે સ્થાન મેળવ્યું છે.

દિલ્હી ખાતે રાષ્ટ્રપતિભવન ખાતે આજે યોજાયેલા સ્વચ્છતા સર્વેક્ષણ 2024ના એવોર્ડ સમારંભનું લાઇવ પ્રસારણ કરાતા એએમસીના ભાજપના સત્તાધીશો-પદાધિકારીઓ અને અધિકારીઓએ પ્રસારણ નિહાળ્યું હતું. અમદાવાદ શહેરને સૌપ્રથમ નંબર આવતા મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફિસ ખાતે આ લાઇવ કાર્યક્રમ જોવા ભાજપના કોર્પોરેટરો-નેતાઓ હાજર રહ્યા હતા.

અમદાવાદ શહેરનો દેશના સૌથી સ્વચ્છ શહેરોમાં પ્રથમ નંબર આવતા મેયર પ્રતિભા જૈન, ડેપ્યુટી મેયર જતીન પટેલ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી, મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અમૃતેશ ઓરંગાબાદકર, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના ઇન્ચાર્જ ડાયરેક્ટર જય મિસ્ત્રી સહિતના અધિકારીઓ એવોર્ડ લેવા માટે નવી દિલ્હી ખાતે પહોંચ્યા હતા.

સ્વચ્છતા સર્વેક્ષણ 2024માં ગુજરાતના ત્રણ શહેરને એવોર્ડ મળ્યો છે. જેમાં અમદાવાદ, સુરત અને ગાંધીનગરનો સમાવેશ થાય છે. આ વર્ષના સ્વચ્છતા સર્વેક્ષણમાં રાજકોટનો રેન્ક સુધર્યો છે. રાજકોટ 29માં ક્રમેથી 19માં ક્રમ ઉપર આવ્યું છે. ગારબેજ કલેક્શન અને સફાઈની બાબતમાં ધ્યાન આપવાથી રેન્કમાં સુધારો આવ્યો છે. જો લોકો વધુ સહકાર આપે તો આગામી વર્ષે 1થી 10માં રેન્ક લાવવા માટે મ્યુ. કમિશનર દ્વારા તૈયારી બતાવી છે.