સ્વામિનારાયણ સંપ્રદાયનું સામાજિક સમરસતામાં મોટું યોગદાન રહ્યું છેઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ
- મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જેતલપુર સ્વામિનારાયણ મંદિરના દ્વિશતાબ્દી મહામહોત્સવ ‘અવસર’માં ઉપસ્થિત રહ્યા
જેતલપુર, 11 માર્ચ, 2026 – સ્વામિનારાયણ સંપ્રદાયનું સામાજિક સમરસતામાં મોટું યોગદાન રહ્યું છે તેમ જણાવી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉમેર્યું હતું કે આજે જેતલપુર ધામની સ્થાપનાને ૨૦૦ વર્ષ પૂર્ણ થયા છે. સ્વામિનારાયણ ભગવાને પોતે આ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા કરી હશે, એ દિવસ ભવ્ય અને દિવ્ય હશે! સ્વામિનારાયણ ભગવાને પોતે પ્રાણ પ્રતિષ્ઠા કરીને સ્થાપેલા નવ મંદિરોમાંથી જેતલપુરનું મંદિર પાંચમું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ જેતલપુર સ્વામિનારાયણ મંદિરના દ્વિશતાબ્દી મહામહોત્સવ ‘અવસર’માં સામેલ થયા હતા.
આ પણ વાંચોઃ ધર્મનું રક્ષણ ધર્મ પાલન દ્વારા આપણે જ કરવાનું છેઃ મોહન ભાગવતજી
મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે સ્વામિનારાયણ સંપ્રદાયનું સામાજિક સમરસતામાં મોટું યોગદાન રહ્યું છે. સમાજમાંથી કુરિવાજો અને અંધશ્રદ્ધા દૂર કરવાનું મોટું કામ સ્વામિનારાયણ ભગવાને કર્યું હતું અને આજે આ સંપ્રદાયના સાધુ-સંતો પણ એ જ કામ કરી રહ્યા છે. સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ-સંતો અને હરિભક્તોએ હંમેશાં રાષ્ટ્રહિતની ભાવના સાથે સેવાકાર્યો કર્યાં છે.

આ પ્રસંગે પૂજ્ય તેજેન્દ્રપ્રસાદજી મહારાજે જણાવ્યું હતું કે ધર્મમાં રાજકારણ ન હોવું જોઈએ, પરંતુ રાજકારણમાં જ્યારે ધર્મનાં મૂલ્યોનું પાલન કરવામાં આવે ત્યારે તે શોભી ઊઠે છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ હંમેશાં રાજકારણમાં ધર્મને આગળ રાખ્યો છે. ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતની જનતા ખૂબ સુખી થાય, એવા આશીર્વાદ પણ પૂજ્ય તેજેન્દ્રપ્રસાદજીએ આપ્યા હતા.
આ પણ વાંચોઃ 200 વર્ષના ભવ્ય ઇતિહાસ બાદ જેતલપુરધામનો મહિમા આજે પણ અકબંધ છે: જગદીશભાઈ વિશ્વકર્મા
આ પ્રસંગે આચાર્ય કૌશલેન્દ્રપ્રસાદ મહારાજ, લાલજી મહારાજ, સ્થાનિક ધારાસભ્ય બાબુભાઈ જ. પટેલ, કાલુપુર અને જેતલપુર સહિતના ધામના વરિષ્ઠ સ્વામીઓ સહિતના સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ-સંતો અને હરિભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.


