1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અમદાવાદના વાડજ બ્રિજ નીચે ટેન્કરે બે બાળકોને લીધા અડફેટે, એકનું મોત
અમદાવાદના વાડજ બ્રિજ નીચે ટેન્કરે બે બાળકોને લીધા અડફેટે, એકનું મોત

અમદાવાદના વાડજ બ્રિજ નીચે ટેન્કરે બે બાળકોને લીધા અડફેટે, એકનું મોત

0
Social Share

અમદાવાદ, 21 માર્ચ 2026: શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા વાડજ બ્રિજ નીચે આજે એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો હતો. પૂરપાટ ઝડપે આવી રહેલા એક ટેન્કરના ચાલકે ગફલતભરી રીતે સ્ટીયરીંગ પરથી કાબૂ ગુમાવતા બે માસૂમ બાળકોને અડફેટે લીધા હતા. આ ભયાનક અકસ્માતમાં એક બાળકનું ટેન્કરના તોતિંગ ટાયર નીચે કચડાઈ જવાથી ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય એક બાળક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો છે.

મળતી વિગતો અનુસાર, વાડજ બ્રિજ નીચે બે બાળકો હતા, ત્યારે બેફામ ગતિએ આવતા ટેન્કરના ચાલકે તેમને જોયા ન હતા અને સીધા જ બાળકો પર ટેન્કર ફેરવી દીધું હતું. અકસ્માત એટલો ગંભીર હતો કે એક બાળકનું શરીર ટાયર નીચે આવી જતાં તેણે તત્કાલ દમ તોડી દીધો હતો. બીજા બાળકની હાલત પણ અત્યંત નાજુક હોવાનું તબીબી સૂત્રો જણાવી રહ્યા છે.

અકસ્માત સર્જાતા જ આસપાસના લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. માસૂમ બાળકનું લોહીલુહાણ શરીર જોઈ લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. ભાગવાની કોશિશ કરી રહેલા ટેન્કર ચાલકને સ્થાનિકોએ ઝડપી પાડ્યો હતો અને તેને મેથીપાક ચખાડી પોલીસને હવાલે કર્યો હતો. બનાવને પગલે ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા.

ઘટનાની જાણ થતા જ ટ્રાફિક પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે મૃતક બાળકનો દેહ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે, જેની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પરિવારને સોંપવામાં આવશે. પોલીસે ટેન્કર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેની ધરપકડ કરી છે. અકસ્માત ખરેખર કેવી રીતે સર્જાયો તે જાણવા માટે પોલીસે બ્રિજ નીચેના સીસીટીવી ફૂટેજ કબજે કર્યા છે અને પ્રત્યક્ષદર્શીઓની પૂછપરછ હાથ ધરી છે.

આ પણ વાંચોઃ બરવાળામાં ફટાકડાની ફેક્ટરીમાં પ્રચંડ વિસ્ફોટ: એક શ્રમિકનું મોત, બે ગંભીર

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code