Site icon Revoi.in

ગુજરાતના ઊર્જા ઇન્ફ્રાસ્ટ્રક્ચરને સાયબર હુમલાઓ સામે સજ્જ કરવા ટાસ્કફોર્સની રચના

Social Share

ગાંધીનગર, 1 જાન્યુઆરી 2026Taskforce formed to equip Gujarat’s energy infrastructure against cyber attacks મુખ્યમંત્રી  ભુપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં અને ઊર્જા મંત્રી  ઋષિકેશ પટેલના નેતૃત્વમાં રાજ્યના ઊર્જા ઇન્ફ્રાસ્ટ્રક્ચરને સાયબર હુમલાઓ સામે સજ્જ કરવા માટે કોર કમિટી અને ટાસ્કફોર્સની રચના કરવામાં આવી છે. આ કોર કમિટી અને ટાસ્કફોર્સ રાજ્યના ઊર્જા ક્ષેત્રમાં સાયબર સુરક્ષા અંગે જરૂરી કામગીરી, તાલીમ, વિવિધ સંસ્થાઓની ભાગીદારી અને સાયબર જાગરૂકતા કાર્યક્રમો અંગે સમીક્ષા કરીને રોડમેપ રજૂ કરશે.

રાજ્યની 24 કલાક વીજ પુરવઠાની વ્યવસ્થામાં હવે સ્માર્ટ મીટર, સ્માર્ટ ગ્રીડ અને SCADA જેવી આધુનિક પ્રણાલીઓ સામેલ કરવામા આવી હોવાથી, ઊર્જા ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં સાયબર હુમલાઓની સંભાવના વધી જાય છે. તેને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર તરફથી ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ (EPD) દ્વારા  11 સભ્યોની કોર કમિટી અને 19 સભ્યોની ટાસ્કફોર્સની રચના કરવામાં આવી છે.

આ કમિટી અને ટાસ્કફોર્સ ઊર્જા ક્ષેત્રના મહત્વપૂર્ણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે IT અને સાયબર સુરક્ષાને લગતી વ્યવસ્થાઓ, સાયબર સુરક્ષા નીતિ અને તેની ઘટનાઓના વ્યવસ્થાપન અંગેની તૈયારીઓની સમીક્ષા કરશે. તે સિવાય તેમાં જરૂરી સુધારા અને સાયબર સિક્યોરિટી પ્રણાલીનું નિર્માણ કરવા માટે એક રોડમેપ પણ રજૂ કરશે. તેના માટે શૈક્ષણિક સંસ્થાઓ તેમજ આ ક્ષેત્રના નિષ્ણાતો સાથે ભાગીદારી પણ કરવામાં આવશે અને સાયબર ડ્રિલ અને તાલીમ સાથે જાગરૂકતા કાર્યક્રમો તેમજ રાષ્ટ્રીય અને રાજ્યની એજન્સીઓ સાથે સંકલન કરવામાં આવશે. રાજ્યના ઊર્જા ઇન્ફ્રાસ્ટ્રક્ચરને સાયબર હુમલાઓ સામે જડબેસલાક બનાવવા માટે એક મજબૂત અને સુવ્યવસ્થિત પ્રણાલી વિકસિત કરવાના ઉદ્દેશ સાથે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

 

Exit mobile version