ટેક્સ રિટર્નની પ્રક્રિયા 90 દિવસથી ઘટાડીને 16 દિવસ કરાઈઃ નીર્મલા સીતારમણ
નવી દિલ્હીઃ નાણાપ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું કે, ક્રેડિટ ગેરંટી MSME માટે એક સુધારણા યોજના આવશે. 1 એપ્રિલ 2023થી ઉદ્યોગોને 9000 કરોડ રૂપિયા ક્રેડિટ તરીકે આપવામાં આવશે. નાણામંત્રીએ કહ્યું કે સેબીને વધુ શક્તિશાળી બનાવવામાં આવશે. સેબી ડિગ્રી, ડિપ્લોમા અને પ્રમાણપત્ર આપી શકશે અને આ નાણાકીય બજારમાં લોકોની ભાગીદારી માટે કરવામાં આવશે. પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના 4.0 શરૂ કરવામાં આવી રહી છે અને MSME ને 2 લાખ કરોડ રૂપિયાની લોન આપવાની યોજના છે.
નાણામંત્રીએ કહ્યું કે, આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત મહિલા સન્માન બચત પત્રની જાહેરાત કરવામાં આવી રહી છે અને તેમના માટે નવી બચત યોજના આવશે. તેમાં 2 વર્ષ માટે રોકાણ કરી શકશે અને 2 લાખ રૂપિયા જમા કરી શકશે જેના પર 7.5 ટકા વ્યાજ આપવામાં આવશે. કોઈપણ મહિલા કે યુવતી ખાતું ખોલાવી શકશે અને તેમાંથી પૈસા ઉપાડવાની શરતો હશે. આ બજેટમાં મહિલા કલ્યાણ માટે આ એક મોટું પગલું છે.
નાણામંત્રીએ કહ્યું કે, ટેક્સ પોર્ટલ પર દરરોજ 72 લાખ અરજીઓ આવે છે અને અમે રિફંડ પ્રક્રિયાને 16 દિવસ સુધી લાવ્યા છીએ. આમાં અમે વધુ સુધારાની દિશામાં આગળ વધી રહ્યા છીએ. નાણામંત્રીએ કહ્યું કે, ટેક્સ રિટર્નની પ્રક્રિયા 90 દિવસથી ઘટાડીને 16 દિવસ કરવામાં આવી છે અને એક દિવસમાં 72 લાખ ટેક્સ રિટર્ન ફાઇલ કરવામાં આવ્યા છે. કરદાતાની ફરિયાદ નિવારણમાં સુધારો થયો છે અને સામાન્ય IT રિટર્ન ફોર્મ્સ આવશે જે રિટર્ન ફાઇલિંગને સરળ બનાવશે.