
ફેસબૂક મેસેન્જરની પ્રાઇવસી વધુ સુરક્ષિત થશે, ફેસબૂક ટૂંકમાં લૉન્ચ કરશે આ ફીચર
- ફેસબૂક મેસેન્જરની પ્રાઇવસી વધુ સુરક્ષિત થશે
- હવે ફેસબૂક મેસેન્જરમાં પણ એન્ડ-ટૂ-એન્ડ એનક્રિપ્શન લાગુ કરાશે
- ફેસબૂક ટૂંક સમયમાં આ ફીચર રૉલ આઉટ કરશે
નવી દિલ્હી: આજના ટેક્નોલોજીના અને સોશિયલ મીડિયાના દોરમાં યૂઝર્સની પ્રાઇવસી સૌથી વધુ મહત્વપૂર્ણ બાબત છે ત્યારે હવે ફેસબૂક પણ પોતાના યૂઝર્સની પ્રાઇવસીની સુરક્ષા માટે વધુ પ્રયાસરત છે અને કટિબદ્વ છે. મેટાએ પોતાની એપ ફેસબૂકના મેસેન્જરમાં પણ વોટ્સએપની જેમ એન્ડ ટૂ એન્ડ એનક્રિપ્શન ફીચર રૉલ આઉટ કરવા માટે તૈયારી કરી રહ્યું છે.
જો કે અહીંયા જો કોઇ બાબત ધ્યાન ખેંચી તેવી હોય તો તે એ છે કે મેટાનું આ ફીચર વોઇસ તેમજ વીડિયો કોલને પણ લાગૂ પડશે. ફેસબૂકના CEO માર્ક ઝકરબર્ગે આ જાણકારી આપી હતી. તેમણે ફેસબૂકના માધ્યમથી આ જાણકારી યૂઝર્સ સાથે પહોંચાડી હતી. અત્યાર સુધી માત્ર ચેટિંગમાં આ ફીચર આપવામાં આવતુ હતું.
આપને જણાવી દઇએ કે એન્ડ-ટૂ-એન્ડ એનક્રિપ્શન પહેલાથી કંપનીની બીજી એપ વોટ્સએપ પર લાગુ છે. વોટ્સએપે હવે ગૂગલ ડ્રાઇવ કે પછી અન્ય જગ્યાએ થતા બેકઅપ્સને પણ એનક્રિપ્ટ કરવાનું શરૂ કર્યુ છે.
આવા મેસેજને વોટ્સએપ સહિત કોઈ વાંચી શકે નહીં. એકંદરે એન્ડ ટુ એન્ડ એનક્રિપ્શન મેસેજ માટે ડિજિટલ લોકની જેમ કામ કરે છે, જેની ચાવી માત્ર મેસેજ મેળવનાર પાસે હોય છે. મેસેજ સેન્ડ થયા બાદ તેને કોઈ વાંચી શકતું નથી અને આ સુવિધા શરૂ કરવા માટે તમારે કોઈ સેટિંગ શરૂ કરવાની પણ કોઇ આવશ્યકતા નથી.