
- રાષ્ટ્રીય ગ્રાહક કમિશને એક અગત્યનો નિર્ણય સંભળાવ્યો
- હેકર્સ ગ્રાહકના ખાતામાંથી પૈસા ઉપાડી લે તો તેની માટે બેંક જવાબદાર રહેશે
- રાષ્ટ્રીય ગ્રાહક કમિશને ગ્રાહક સાથેની છેતરપિંડીના એક કેસમાં આ ચુકાદો આપ્યો હતો
નવી દિલ્હી: રાષ્ટ્રીય ગ્રાહક કમિશને ગ્રાહકોના હિતમાં એક મહત્વનો નિર્ણય સંભળાવ્યો છે. કમિશન તરફથી ચુકાદો આપતા કહેવામાં આવ્યું છે કે હેકર્સ કે અન્ય કોઇ કારણથી ગ્રાહકના ખાતમાંથી પૈસા ઉપડી જાય છે કે પછી છેતરપિંડી કરવામાં આવે છે તો તેમાં ગ્રાહકની કોઇ બેદરકારી નથી. આ પ્રકારના કિસ્સામાં બેંક મેનેજમેન્ટની જવાબદારી બને છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, રાષ્ટ્રીય ગ્રાહક કમિશને એક ખાનગી બેંકને હેકર્સ દ્વારા ઉઠાંતરી કરવામાં આવેલા પૈસાની સાથોસાથ કેસનો ખ્ચ તેમજ માનસિક પીડા સહન કરવાનું પણ વળતર આપવાનો આદેશ કર્યો છે. ગત વર્ષે 20 જુલાઇના રોજ મોદી સરકારે નવો ગ્રાહક સુરક્ષા કાયદો-2019 લાગૂ કર્યો છે. આ એક્ટ લાગૂ થયા બાદ આ પ્રથમ કેસ છે, જેમાં રાષ્ટ્રીય ગ્રાહક કમિશને બેંક મેનેજમેન્ટને જવાબદાર ઠેરવ્યું છે.
રાષ્ટ્રીય ગ્રાહક તકરાર નિવારણ કમિશનના જજે ક્રેડિટ કરાડના હેકિંગને કારણે એક એનઆઇઆર મહિલા સાથે થયેલી છેતરપિંડી માટે બેંકને જવાબદાર ઠેરવી હતી. જજે એચડીએફસી બેંક તરફથી દાખલ કરવામાં આવેલી અરજીને રદ કરતા મહિલાને 6,110 ડોલર એટલે કે 4.46 લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો આદેશ કર્યો હતો.
તે ઉપરાંત ગ્રાહક તકરાર નિવારણ કમિશને એવો પણ આદેશ કર્યો હતો કે પીડિતાને માનસિક પીડાના વળતર તરીકે 40 હજાર રૂપિયા અને ખર્ચ પેટે પાંચ હજાર રૂપિયા આપવામાં આવે. કમિશન અનુસાર બેંક તરફથી એક પણ એવો પુરાવો રજૂ કરવામાં આવ્યો ન હતો જેનાથી માલુમ પડે કે પીડિતાનું ક્રેડિટ કાર્ડ કોઇએ ચોરી કરી લીધું હતું. બીજી તરફ મહિલાએ એવો દાવો કર્યો હતો કે કોઇ હેકર્સે તેના ખાતામાંથી પૈસા ઉપાડી લીધા છે તેમજ બેંકની ઇલેક્ટ્રોનિક સિસ્ટમમાં ક્ષતિ છે.
ગ્રાહક તકરાર નિવારણ કમિશને એવું પણ કહ્યું કે આજના ડિજીટલ યુગમાં ક્રેડિટ કાર્ડના હેકિંગથી ઇન્કાર ન કરી શકાય. આથી ગ્રાહકોના ખાતાની સુરક્ષાની જવાબદારી બેંક મેનેજમેન્ટની છે. બેંક મેનેજમેન્ટે ગ્રાહકના ખાતાની સુરક્ષા માટે યોગ્ય પગલાં લેવા જોઇએ.
(સંકેત)