નવી દિલ્હીઃ દેશમાં આતંકવાદ અને નક્સલવાદી પ્રવૃતિને ડામવા માટે સુરક્ષા દળોએ અભિયાન શરૂ કર્યું છે. તેમજ આતંકવાદ અને નક્સલવાદ ગ્રસ્ત વિસ્તારમાં સર્ચ અભિયાન તેજ બનાવવામાં આવ્યું છે. દરમિયાન સુરક્ષા દળોએ જમ્મુ-કાશ્મીરના ડોડા જિલ્લાના જંગલોમાં એક આતંકવાદી ઠેકાણાનો પર્દાફાશ કર્યો હતો.
સુત્રોના જણાવ્યા અનુસાર જિલ્લાના ભદ્રવાહના ભાલરા જંગલ વિસ્તારમાં સેનાના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અને સ્થાનિક પોલીસ દ્વારા સંયુક્ત સર્ચ ઓપરેશન દરમિયાન આ છુપાવાનું સ્થળ મળી આવ્યું હતું. અને એક પિસ્તોલ, ત્રણ મેગેઝિન અને છ કારતૂસ અને એક એ.કે. રાયફલ સહિત 25 એસોલ્ટ રાઇફલની ગોળીઓ મળી આવી હતી. આ કેસમાં હજુ સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી. સુરક્ષા દળોએ જંગલ વિસ્તારમાં આતંકવાદીઓને ઝડપી લેવા માટે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.