
ભાવનગરઃ રાજ્યમાં સરકારી યુનિવર્સિટીઓમાં 7 કુલપતિ, 22 ઉપકુલપતિ, 4 રજીસ્ટ્રાર, 4 પરીક્ષા નિયામક, ઉપરાંત શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારીઓની અનેક જગ્યાઓ ખાલી છે. ખાલી જગ્યા ભરવા અને ભરતી પ્રક્રિયાને વેગ આપવા માટે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ સમગ્ર ગુજરાતમાં હવે આખું વર્ષ અભિયાન ચલાવશે. તાજેતરમાં ભાવનગરમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદનું અધિવેશન યોજાયું હતું જેમાં સરકારી યુનિવર્સિટીઓમાં સ્ટાફની ભરતીના મામલે અભિયાન ચલાવવાનો પ્રસ્તાવ પસાર કરાયો હતો.
ભાવનગરમાં એબીવીપીના અધિવેશનમાં અનેક ચર્ચાઓ કરવામાં આવી હતી. જેમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં અનિયમિતતા અને વારંવાર પેપર લિક કૌભાંડથી યુવાઓમાં આક્રોશ છે અને આ મુદ્દે સરકાર ગંભીરતાથી વિચારણા કરે અને પરીક્ષા લેનારી એજન્સીઓની પદ્ધતિ પર પુનઃ વિચારણા કરી જવાબદારો સામે કડકમાં કડક પગલાં લેવામાં આવે તેમ જ પરીક્ષામાં પાસ થયેલા ઉમેદવારોની નિમણૂક પ્રક્રિયાઓ પણ ઝડપી કરવામાં આવે તેનો પ્રસ્તાવ પણ પસાર કરાયો હતો.
આ ઉપરાંત ખાનગી યુનિવર્સિટીઓમાં મન ફાવે તેમ પ્રવેશ આપી રહી છે. ત્યારે કેમ્પસની ગુણવત્તા અને નિયંત્રણ હેતુ માટે મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશની જેમ પ્રાઇવેટ યુનિવર્સિટી રેગ્યુલરેટરી બોર્ડ માટે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે પુનરોચ્ચાર કર્યો છે. જનજાતિ ક્ષેત્રોમાં વધતાં ધર્માંતરણને કારણે જે લોકોએ જનજાતિ પૂજા પદ્ધતિ છોડી ભારતીય ધર્મ સિવાયના અન્ય ધર્મને અપનાવ્યા છે. તે લોકોને જનજાતિના મૂળભૂત અધિકારો અને સરકારની યોજનામાંથી મુક્ત કરવા જોઈએ .
સૂત્રોએ જણાવ્યું હતું કે એબીવીપીના અધિવેશનમાં ઉચ્ચ શિક્ષણમાં ગુણવત્તા સાથે અભ્યાસ, રમતગમત-પરિવહનની સુવિધા, છાત્રાલય નિર્માણ, નેટવર્ક વ્યવસ્થા સુધારવા પણ પ્રસ્તાવો પસાર કરાયો હતો. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદની પ્રદેશ કારોબારીમાં પ્રદેશ અધ્યક્ષ તરીકે ડો. સંજય ચૌહાણ, ઉપાધ્યક્ષ પદે ડો. રાજેશ ડોડીયા, ડો.લક્ષ્મણ ભૂતડીયા, પ્રા. ભરત પ્રજાપતિ, ડો. પ્રફુલ ચુડાસમા અને ડો. ક્રાંતિબેન ત્રિવેદી તેમજ પ્રદેશ મંત્રી પદે યુતિબેન ઉપરાંત પ્રદેશ સહમંત્રી પ્રદેશ સંગઠન મંત્રી સહિત જાહેર કરાયા હતા.
એબીવીપીના અધિવેશનમાં ગુજરાતના તમામ વિશ્વવિદ્યાલયોમાં નિર્ધારિત સમય અવધિમાં પીએચડીની પ્રવેશ પરીક્ષા લેવામાં આવે, ફીનું ધોરણ એક સમાન રાખવામાં આવે, તેમજ વિશ્વવિદ્યાલયોમાં વાર્ષિક શૈક્ષણિક કેલેન્ડરનું ચુસ્તપણે પાલન કરવામાં આવે, અને ફેલોશીપ પ્રક્રિયા નિયમિત કરવામાં આવે તેમજ Ph.dની પ્રવેશ પરીક્ષા ગુજરાતી માધ્યમમાં પણ યોજવામાં આવે તેવી માગ કરવામાં આવી હતી.