- આરોપીએ વર્ષ 2009માં ત્રણ બાઈકની ચોરી કરી હતી,
- આરોપીને એમપીમાં પોલીસે ચોરીની બાઈક સાથે ઝડપી લીધો હતો,
- વડોદરા પોલીસ પહોંચે તે પહેલા જામીન મેળવીને નાસી ગયો હતો,
વડોદરાઃ શહેરના ન્યુ વીઆઇપી રોડ ખાતેની સોસાયટીમાંથી 17 વર્ષ પહેલા એટલે કે વર્ષ 2009માં ત્રણ મોટરસાઇકલ ચોરીના ગુનામાં સંડોવાયેલો નાસતો-ફરતો રહેલો આરોપી વેલસિંગ ઉર્ફે મેલસીગ ભાચરીયા ઉર્ફે ભાપરીયા ભીલ (ઉ.વ. 45, રહે. કરચટ, તા. કુકસી, જિ. ધાર, મધ્યપ્રદેશ)ને વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે મધ્યપ્રદેશના ધાર જિલ્લામાંથી ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
આ બનાવની વિગત એવી હતી કે, વડોદરાની ન્યુ વીઆઈપી રોડ પર આવેલી એક સાસાયટીમાંથી વર્ષ 2009માં ત્રણ બાઈકની ચોરી થતાં ફરિયાદ નોંધવામાં આવી હતી. બાપોદ પોલીસે ગુનોં નોંધીને તપાસ હાથ ધરી હતી, દરમિયાન મધ્યપ્રદેશના ટાન્ડા પોલીસ સ્ટેશનમાં ચોરીની એક મોટરસાઇકલ સાથે આરોપી ઝડપાયો હતો. અને આરોપીએ વડોદરાથી બાઈકની ચોરી કરી હોવાનો ગુનો કબુલ્યો હતો. એમપી પોલીસે આ અંગે વડોદરા પાલીસને જાણ કરવામાં આવી હતી. પરંતુ વડોદરા પોલીસ ત્યાં પહોંચે તે પહેલાં આરોપી જામીન પર મુક્ત થઈ નાસી ગયો હતો. અને છેલ્લા 17 વર્ષથી આરોપી ફરાર હતો. વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમે મધ્યપ્રદેશ પહોંચી, ખાનગી રીતે વોચ ગોઠવી અને આરોપીને તેના ગામમાંથી ઝડપી લીધો હતો.
વડોદરા ક્રાઇમ બ્રાંચની ટીમ દ્વારા બાઈકચોરને પકડવા માટે ટેકનિકલ અને હ્યુમન સોર્સના આધારે વધુ તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન માહિતી મળી કે, આરોપી હાલ તેના વતન કરચટ, તા.કુકસી, જિ.ધાર, મધ્યપ્રદેશ ખાતે રહે છે. ક્રાઇમ બ્રાન્ચની ટીમે મધ્યપ્રદેશ પહોંચી, ખાનગી રીતે વોચ ગોઠવી અને આરોપીને તેના ગામમાંથી ઝડપી લીધો હતો. પ્રાથમિક પૂછપરછ અને ખાતરી દરમિયાન આરોપીની સંડોવણીની પુષ્ટિ થતાં તેને વડોદરા લાવવામાં આવ્યો અને વધુ તપાસ માટે બાપોદ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે. ઝડપાયેલ આરોપી વેલસિંગ ઉર્ફે મેલસીગ સામે અગાઉ મધ્યપ્રદેશમાં ચોરીના વાહન સાથે ઝડપાયેલ હોવાનો ગુનો નોંધાયો છે.