કોરોનાને પગલે બંધ અમદાવાદ-વડોદરા મેમુ ટ્રેન બે વર્ષ બાદ ફરી શરૂ થશે, નોકરીયાતોને મળશે રાહત
અમદાવાદઃ કોરોનાકાળની ગાઇડલાઈનને લીધે રેલવે સત્તાવાળાઓએ પશ્ચિમ રેલ્વેના વડોદરા ડિવિઝન દ્વારા દોડતી અનેક ટ્રેનો બંધ કરી હતી.લગભગ બે વર્ષના અંતરાલ બાદ કેટલીક લાંબા અંતરની ટ્રેનો પુનઃ શરૂ થઈ હતી. જેનો લાભ દૂરના સ્થળોએ આવાગમન કરતા મુસાફરોને મળતો હતો, પરંતુ ખેડા- આણંદ જિલ્લાના નડિયાદ,આણંદ જિલ્લાના જંક્શન સ્ટેશન ઉપરાંત અન્ય સ્ટેશન પરથી નોકરી અર્થે કે અભ્યાસ માટે અમદાવાદથી વડોદરા સુધી રોજીંદુ અપ ડાઉન કરતા મુસાફરો માટે ઉપયોગી અને આશીર્વાદરૂપ બની રહે તેવી મેમુ અને પેસેન્જર ટ્રેનો રાબેતા મુજબ પુનઃ શરૂ કરાઇ નહોતી.
મેમુ અને પેસેન્જર ટ્રેન પુનઃ શરુ કરવા મુસાફરો સહિત આમજનતાએ ખેડાના સંસદ સભ્ય અને કેન્દ્રીય સંચાર રાજ્ય મંત્રી દેવુસિંહ ચૌહાણને રજૂઆતો કરી હતી. સામાન્ય મુસાફર જનતાને આ ટ્રેનોને અભાવે પડતી મુશ્કેલીઓ અને રજુઆત બાબતે મંત્રી દેવુસિંહ ચૌહાણે કેન્દ્રીય રેલવે મંત્રાલય સહિત સંબધિત અધિકારીઓને રજૂઆત સહિત સતત પ્રયત્નો કરતા રેલવે સતાવાળાઓએ સાનુકૂળ પ્રતિસાદ આપી આ ટ્રેનો પુનઃ શરૂ કરવા નિર્ણય કર્યો છે. જેના પગલે આગામી સપ્તાહથી જ વડોદરા ડિવિઝનની મેમુ અને પેસેન્જર્સ ટ્રેનનો મુસાફરોને લાભ મળતો થઈ જશે.
અમદાવાદ-વડોદરા વચ્ચે મેમુ ફરીથી શરૂ થવાથી નોકરીયાત વર્ગને રાહત મળશે. આંણદ અને નડિયાદ સહિતના વિસ્તારોમાંથી હજારો લોકો નોકરી માટે અમદાવાદ તથા વડોદરા જાય છે. કોરોનાને પગેલ આ ટ્રેન બંધ હોવાથી પ્રવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. જો કે, ફરીથી આ ટ્રેન ફરીથી શરૂ કરવામાં આવતા નોકરીયાત વર્ગને રાહત મળશે.


