રાજપીપળા, 20 જાન્યુઆરી 2026: નર્મદા મૈયાની પંચકોશી પરિક્રમાનું વિશેષ મહાત્મ્ય છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડવાની શક્યતા હોવાથી આ વખતે તંત્ર દ્વારા બે મહિના પહેલા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. પાવન સલિલા મા નર્મદાની પંચકોશી ( ઉત્તરવાહીની) પરિક્રમા કીડી મંકોડી ઘાટથી 14 કિમીના જુના રૂટ પર જ કરાશે. ગત વર્ષે 15 લાખ કરતાં વધારે શ્રધ્ધાળુઓ પરિક્રમા કરવા માટે આવ્યાં હોવાથી ચાલુ વર્ષે બે મહિના પહેલાંથી તૈયારીઓ શરૂ કરી દીધી છે. ગત વર્ષે 14 કિમીના જૂના રૂટ પર પરિક્રમા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થયા બાદ ચાલુ વર્ષે પણ જૂના જ રૂટ પર નર્મદાની પંચકોશી પરિક્રમા કરાવવામાં આવશે.
નર્મદા મૈયાની પંચકોશી પરિક્રમાનો 19મી માર્ચથી પ્રારંભ થશે. અને પંચકોશી પરિક્રમાનું 17મી એપ્રિલના રોજ સમાપન થશે. વદ અમાસના દિવસથી શરૂ પરિક્રમાનું ચૈત્ર વદ અમાસના દિવસે સમાપન થાય છે. ચાલુ વર્ષે 20 લાખ જેટલા શ્રધ્ધાળુઓ ઉમટી પડે તેવો અંદાજ હોવાથી બે મહિના પહેલાં જ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. નર્મદા જિલ્લાના ડીડીઓએ નાંદોદ તાલુકાના રામપુરા ખાતે આવેલ ઉત્તરવાહિની નર્મદા પરિક્રમાના પ્રસ્થાન સ્થળ એવા રામપુરા ઘાટની મુલાકાત લઈ વિવિધ વ્યવસ્થાઓનું નિરીક્ષણ કર્યું હતું.
નર્મદાની પંચકોશી પરિક્રમા દરમિયાન પૂરતો પોલીસ બંદોબસ્ત ટ્રાફિક નિયંત્રણ, રાત્રિ દરમિયાન પૂરતી પ્રકાશ વ્યવસ્થા, તમામ ઘાટો પર ફાયર બ્રિગેડની વ્યવસ્થા, પીવાના પાણી, છાંયડાની સુવિધા, આરોગ્ય સેવાઓ માટે સેવાકેન્દ્રો તેમજ ડોમની વ્યવસ્થા કરવામાં આવશે. આ આખો વિસ્તાર નર્મદા નદીનો પશ્ચિમનો વિસ્તાર છે. તિલકવાડા ખાતેથી બોટમાં અથવા હંગામી પુલ મારફતે નદી પાર કરીને તેઓ પૂર્વ વિસ્તારના કિનારા તરફ પહોંચવાનું રહે છે.
તિલકવાડાથી પરિક્રમાવાસીઓ રેંગણ ઘાટ ખાતે આવીને નદી પાર કરીને ફરી રામપુરા ખાતે આવેલાં રણછોડરાયજીના મંદિર ખાતે પરત આવવાનું હોય છે. આ આખો રૂટ 14 કિમી જેટલો થાય છે. મળસ્કે 4 વાગ્યાથી પરીક્રમા શરૂ થતી હોય છે અને 3 થી 4 કલાકમાં તે પૂર્ણ કરી શકાય છે.

