Site icon Revoi.in

સુપ્રસિદ્ધ તરણેતરના ભાતીગળ લોકમેળાનો કાલે શુક્રવારથી પ્રારંભ

Social Share

સુરેન્દ્રનગરઃ  જિલ્લાના થાનગઢ તાલુકાના તરણેતર ગામે વિશ્વવિખ્યાત લોકમેળાનો પ્રારંભ આવતી કાલે તા 6ઠ્ઠી સપ્ટેમ્બરને શુક્રવારથી થશે. આ લોકમેળો 9મી સપ્ટેમ્બરે પૂર્ણ થશે. આ ભાતીગળ મેળાની મોજ માણવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડશે, લોક મેળામાં ત્રિનેત્રેશ્વર કુંડમાં સ્નાન કરવાનું પણ ખૂબ જ મહત્વ છે. આથી લોકોની સુરક્ષાને ધ્યાને રાખી જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા તા.5/9/2024થી 9/9/2024 સુધી વિવિધ પ્રતિબંધો ફરમાવતું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.

સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટરએ જારી કરેલા જાહેરનામામાં જણાવ્યા પ્રમાણે, થાનગઢ ખાતે ખાખરાળી ચોકડીથી રેલવે તરફ તથા થાનગઢ ખાતે સેતુ ગેસ એજન્સી તથા જકાતનાકાથી નગરપાલિકા તરફ ભારે વાહનોને પ્રવેશવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. થાનગઢ નેશનલ કાંટાથી બુદ્ધ વિહાર ફાટક, સૂર્યા ચોક થઈ તરણેતર જતા રસ્તાને એકમાર્ગીય જાહેર કરાયો છે. તરણેતરથી તરણેતર વીડ, નવાગામ, સારસાણા થઈ થાન-વાંકાનેર રોડ પણ એકમાર્ગીય જાહેર કરાયો છે.

આ ઉપરાંત સુરેન્દ્રનગર-મુળીથી તરણેતર મેળામાં જતા વાહનો વગડીયા ફાટક થઈ ખાખરાથળ, કાનપર થઈ તરણેતર જતા રસ્તાને ડાયવર્ટ જાહેર કરાયો છે. સુરેન્દ્રનગર-મુળીથી વગડીયા ફાટક થઈ ખાખરાથળ, કાનપર થઈ તરણેતર આવેલા વાહનો પરત થવા માટે તરણેતર વીડ, નવાગામ, સારસાણા થઈ થાન-વાંકાનેર રોડ ઉપર થઈ થાન ખોડીયાર મંદિર, હાઇસ્કુલ ત્રણ રસ્તા થઈ મુળી-સુરેન્દ્રનગર તરફ જશે. વગડીયાથી થાન તરફ જતા વાહનો થાનગઢ ખારાના ફાટક થઈ તરણેતર રોડ, કશીશ પેટ્રોલપંપ પાસેથી તરણેતર તરફ જશે અને આ વાહનો તરણેતરથી પરત આવવા માટે તરણેતર વીડ, નવાગામ, સારસાણા થઈ થાનગઢ-વાંકાનેર રોડ થઈ પરત જશે. જેથી આ રસ્તાને પણ ડાયવર્ટ જાહેર કરાયો છે.

થાનગઢ તરફથી મેળાના મુખ્ય પ્રવેશ દ્વારની બહાર સુધી વાહનો આવી શકશે અને મુખ્ય પ્રવેશ દ્વારથી મેળા તરફ કોઈપણ વાહનની પ્રવેશબંધી જાહેર કરવામાં આવી છે. ધ્રાંગધ્રા તરફથી મેળામાં આવતા વાહનો તરણેતર મેળા ખાતે બનાવેલા ધ્રાંગધ્રા બસ સ્ટેન્ડ સુધી આવી શકશે ત્યાંથી આગળ મેળા તરફ પ્રવેશબંધી જાહેર કરાઈ છે. મુળી તરફથી આવતા વાહનો મેળાના પાછળના ભાગે મેળાની બહાર સુધી આવી શકશે અને ત્યાંથી આગળ મેળા તરફ પ્રવેશબંધી જાહેર કરાઈ છે. તરણેતર મેળામાં ઉપર જણાવ્યા મુજબના સ્થળથી મેળા તરફ ઈમરજન્સી વાહનો, એમ્બ્યુલન્સ, પોલીસ વાહનો તથા જે વાહનોને પ્રવેશ અંગેના પાસ આપેલા હશે તેવા વાહનો સિવાય કોઈપણ પ્રકારના વાહનો મેળામાં પ્રવેશ કરવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે.