1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. સિરક્રીકના સમુદ્રમાં બીએસએફ અને પાક. મરીનની બોટ નજીક આવી જતાં ચકમક ઝરી
સિરક્રીકના સમુદ્રમાં બીએસએફ અને પાક. મરીનની બોટ નજીક આવી જતાં ચકમક ઝરી

સિરક્રીકના સમુદ્રમાં બીએસએફ અને પાક. મરીનની બોટ નજીક આવી જતાં ચકમક ઝરી

0
Social Share

ભુજ :  કચ્છની ભારે સંવેદનશીલ સિરક્રીક સરહદે ભારતીય સીમા સુરક્ષા દળ અને પાકિસ્તાન મરિનની ચોકિયાત નૌકાઓ પેટ્રોલિંગ સમયે સામસામે આવી જતાં થોડા સમય માટે મામલો તંગ બની ગયો હતો. આ બનાવ બન્યાને સમર્થન આપતા સીમાદળના ગુજરાત ફ્રન્ટીયરના આઇજીએ હવે સ્થિતિ સામાન્ય હોવાનું સ્પષ્ટ કર્યું હતું.

સૂત્રોના જણાવ્યા મુજબ કચ્છના સંવેદનશીલ ગણાતી સિરક્રિક દરિયાઈ જળસીમાં પર બીએસએફ જવાનોની બોટ અને પાકિસ્તાનના મરીન જવાનોની બોટ સામસામે આવી ગયાનો એક વિડિયો વાયરલ થયો હતો.ક્રીક વિસ્તારમાં સીમા સુરક્ષા દળની સાગર પાંખ બોટ અને પાકિસ્તાન મરિનની ચોકીયાત નૌકાઓ સાથે સાથે આવી ગઇ હોવાનું આ વીડિયોમાં સ્પષ્ટ થતુ હતું. પાકિસ્તાની બોટમાંથી ધાર્મિક સૂત્રોચ્ચાર થતા ભારતીય જવાનોએ વળતા સુત્રો પોકાર્યા હતા. આ વીડિયો સંદર્ભે સીમાદળના ગુજરાત ફ્રન્ટીયરના ઇન્સ્પેકટર જનરલ જીએસ મલિકનો સંપર્ક સાધતાં તેમણે સ્વીકાર્યું હતું કે, સિરક્રીકમાં બીએસએફની નૌકા પેટ્રોલીંગ હાથ ધરતી હોય છે ત્યારે ત્યારે પાકિસ્તાન મરિન્સની બે બોટ પણ સમાંતર દોડ લગાવતી હોય છે. બન્ને દેશો વચ્ચે સિરક્રીકનો અડધો અડધો વિસ્તાર સીમા હોવાના વણજાહેર સિદ્ધાંત મુજબ આ વીડિયો આવાં જ પેટ્રોલીંગનો હોવાનું તેમણે સ્વીકાર્યું હતું. આ રાબેતા મુજબના ઘટનાક્રમમાં પાકિસ્તાની બોટ પરથી સૂત્રો પોકારાતાં ભારતીય જવાનોએ તેનો તત્કાળ જવાબ પણ આપ્યો હોઇ શકે એમ તેમણે કહ્યું હતું.  આ બનાવ બાદ ક્રીક વિસ્તારમાં કોઇ તંગદીલી કે ઘર્ષણનો માહોલ ન હોવાનું સ્પષ્ટ કરતા  મલિકે ઉમેર્યું હતું કે તે વિસ્તારમાં સ્થિતિ સામાન્ય બની રહી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ભારત અને પાકિસ્તાનની સરહદોમાં સિરક્રીક વણ અંકાયેલી છે. બન્ને દેશ વચ્ચે આ મામલે લાંબા સમયથી વિવાદ ચાલે છે. ભારત આ ભારે પહોળી ક્રીકની મધ્યમાંથી આંતરરાષ્ટ્રીય સરહદ પસાર થતી હોવાનો દાવો કરે છે તો પાકિસ્તાન ક્રીકના બન્ને કાંઠા પોતાની સરહદમાં આવતા હોવાની દલીલો કરે છે. દાયકાઓથી વણઉકેલ આ વિવાદનો છેડો સિરક્રીકના મુખથી તેના છેડાના 49 કિલોમીટરના વિસ્તાર અને ત્યાંથી બોર્ડર પીલર 1175 વચ્ચેના અંદાજે 50 કિલોમીટરના વિસ્તાર સુધી લંબાયેલો છે.  સમયની સાથે આ વિવાદ ખેંચાતા અને વ્યુહાત્મક રીતે ક્રીકનું મહત્વ વધવાની સાથે આ વિસ્તારમાં જાપ્તો વધારવા સીમાદળે પેટ્રાલિંગને ઘનિષ્ઠ બનાવ્યું છે.તો સામા પક્ષે પાકિસ્તાને તેના મરિન્સ દળની તૈનાતી અને પેટ્રાલિંગમાં વધારો કર્યાના અહેવાલ સતત સામે આવતા રહે છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code