
કેન્દ્રીય નાણા મંત્રાલયની યોજનાઓનો લાભ પ્રજાને મળે તે હેતુથી અભિયાન શરૂ કરાશે
નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારના નાણા મંત્રાલય દ્વારા નાગરિકો માટે વિવિધ યોજનાઓ અમલમાં મુકી છે. મુદ્રા યોજના, પેન્શન યોજના સહિતની યોજનાઓનો લાભ પ્રજાને મળી રહે તે માટે ખાસ અભિયાન શરૂ કરવામાં આવશે.
સમગ્ર દેશમાં નાણાંકીય સર્વસમાવેશકતા વધારવા માટે અને નાણાં યોજનાનો લાભ બધા જ નાગરિકોને મળે તે હેતુથી કેન્દ્રીય નાણાં મંત્રાલય આગામી 15મી ઓક્ટોબરથી ખાસ અભિયાન શરૂ કરશે. 15મી ઓક્ટોબરથી 26 નવેમ્બર સુધી ચાલનાર આ અભિયાનમાં પ્રથમ તબક્કામાં દેશના સાત જિલ્લાઓમાં ગ્રામ પંચાયત સ્તરેથી અભિયાન શરૂ કરાશે. આ સાત જિલ્લાઓમાં ઓડિશાના કટક, મહારાષ્ટ્રના પુણે અને ઔરંગાબાદ, આંધ્રપ્રદેશના કાકીનાડા, ઉત્તરપ્રદેશના કૌશાંબી, મધ્યપ્રદેશના દાંતીયા અને આસામના બારપેટા જિલ્લાનો સમાવેશ થાય છે.
નાણાંમંત્રી નિર્મલા સીતારમણે ટ્વીટર ઉપર જણાવ્યું હતુ કે, આ ઝૂંબેશમાં પાત્રતા ધરાવતી વ્યક્તિઓને બેન્ક ખાતા, વીમા અને પેન્શન યોજનાઓનો લાભ આપવા ઉપરાંત ખેત ઉત્પાદન સંસ્થાઓ અને સ્વ-સહાય જૂથોને ધિરાણનું વિતરણ તેમજ મુદ્રા અને કિસાન ક્રેડિટ કાર્ડની યોજનાઓનો વ્યાપ વધારવા ઉપર ધ્યાન કેન્દ્રિત કરાશે.