
મુખ્યમંત્રીએ જૂનાગઢ-ગીરસોમનાથમાં ભારે વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કર્યું
- મુખ્યમંત્રીએ ઉચ્ચ અધિકારીઓ પાસેથી પરિસ્થિતિનો તાગ મેળવ્યો
- અનેક ગામમાં સંપર્ક વિહોણા બન્યાં
- ખેતરોમાં વરસાદી પાણી ફરી વળતા ખેડૂતો ચિંતિત બન્યાં
અમદાવાદઃ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વચ્ચે સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જેના પરિણામે અનેક વિસ્તારોમાં પાણી ભરાયાં છે, એટલું જ નહીં અનેક ગામ સંપર્ક વિહોણા બન્યાં છે, તેમજ કેટલાક બેટમાં ફરવાયાં છે. ભારે વરસાદને પગલે જૂનાગઢ, ગીરસોમનાથ અને દ્વારકાના અનેક ગામ અસરગ્રસ્ત બન્યાં છે. દરમિયાન ગુજરાતના મુખ્યમંત્રીએ જૂનાગઢ અને સોમનાથ જિલ્લાના અસરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કર્યું હતું.
છેલ્લા અઠવાડિયા દરમિયાન જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં વરસેલા સાંબેલાધાર વરસાદના કારણે અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. જિલ્લાની નદીઓમાં આવેલા ઘોડાપૂરના કારણે ખેતીને નુકસાન થયાનું અનુમાન છે. આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કર્યું હતું. આ ઉપરાંત મુખ્યમંત્રીએ ઉચ્ચ અધિકારીઓ સાથે ચર્ચા કરીને પરિસ્થિતિનો તાગ મળ્યો હતો. આ ઉપરાંત પીડીતોને જરુરી સુવિધાઓ મળી રહે તેવી સૂચના આપી હતી. બીજી તરફ એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો તૈનાત કરવામાં આવી છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં રેસ્કયુ ટીમ દ્વારા બચાવ કામગીરી કરવામાં આવી રહી છે.
દરમિયાન રાજ્યમાં 24 કલાકમાં 192 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. દેવભૂમિ દ્વારકામાં સૌથી વધારે વરસાદ વરસ્યો હતો. દ્વારકામાં 9 ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદને પગલે દ્વારકાના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાયાં હતા. જેથી લોકોની મુશ્કેલીમાં વધારો થયો હતો. ભારે વરસાદને પગલે ખેતરોમાં વરસાદી પાણી ફરી વળતા ખેડૂતો ચિંતામાં મુકાયાં છે.