વિદેશમાં ભારતીય શ્રમિકોની સ્થિતિ ચિંતાજનક: 5 વર્ષમાં 37,000 થી વધુના મોત
નવી દિલ્હી, 3 એપ્રિલ 2026: વિદેશી ધરતી પર પરસેવો પાડીને દેશમાં હૂંડિયામણ મોકલતા ભારતીય કામદારોની સુરક્ષાને લઈને ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. કેન્દ્ર સરકાર દ્વારા રાજ્યસભામાં રજૂ કરવામાં આવેલી માહિતી અનુસાર, છેલ્લા પાંચ વર્ષમાં વિદેશમાં દરરોજ સરેરાશ 20 થી વધુ ભારતીય શ્રમિકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આ કુલ મોતના 86 ટકાથી વધુ કિસ્સાઓ માત્ર ખાડી દેશોમાં નોંધાયા છે.
વિદેશ રાજ્ય મંત્રી કીર્તિ વર્ધન સિંહે રાજ્યસભામાં જણાવ્યું હતું કે, વર્ષ 2021 થી 2025 દરમિયાન વિદેશમાં કુલ 37,740 ભારતીય કામદારોના મોત થયા છે. જોકે, આ મોતના ચોક્કસ કારણોની વિગતવાર માહિતી આપવામાં આવી નથી, પરંતુ તુલનાત્મક રીતે જોતા ખાડી દેશોમાં મૃત્યુનો આંકડો વર્ષ 2012-2018 ની સરખામણીએ લગભગ બમણો થઈને દરરોજ 18 સુધી પહોંચી ગયો છે. વર્ષ 2021માં 8234, વર્ષ 2022માં 6614, 2023માં 7291, 2024માં 7747 અને વર્ષ 2025માં 7854 મળીને કુલ 37740 ભારતીયના મોત થયાં છે.
આંકડાઓ મુજબ, સંયુક્ત આરબ અમીરાત (UAE) ભારતીય કામદારો માટે સૌથી વધુ જોખમી સાબિત થયું છે, જ્યાં 12,380 મોત થયા છે. સાઉદી અરેબિયામાં 11757, કુવૈતમાં 3890, ઓમાનમાં 2821, મલેશિયામાં 1915 અને કતારમાં 1760 ભારતીયના મોત થયાં છે. વિકસિત દેશોની વાત કરીએ તો, અમેરિકામાં 454, સિંગાપોરમાં 451 અને યુકેમાં 188 ભારતીયોના મોત નોંધાયા છે.
માત્ર મૃત્યુ જ નહીં, પણ વિદેશમાં ભારતીય નાગરિકો સાથે થતા ગેરવર્તણૂક અને શોષણના કિસ્સાઓ પણ વધ્યા છે. છેલ્લા પાંચ વર્ષમાં ભારતીય મિશનોને કુલ 80,985 ફરિયાદો મળી છે. પગાર ન મળવો, પાસપોર્ટ જપ્ત કરી લેવો, નિર્ધારિત કલાકો કરતા વધુ કામ કરાવવું, રજા ન આપવી અને અચાનક નોકરીમાંથી કાઢી મૂકવા જેવી ફરિયાદો મળી હતી. સૌથી વધારે ફરિયાદો યુએઈ (16,965), કુવૈત (15,234), ઓમાન (13,295), અને સાઉદી અરેબિયા (12,988)માં મળી હતી.
મ્યાનમાર જેવા દેશોમાં મૃત્યુનો આંકડો શૂન્ય છે, પરંતુ ત્યાં શોષણની 2,548 ફરિયાદો નોંધાઈ છે. સમગ્ર વિશ્વમાં ભારતીય શ્રમિકોની ફરિયાદોનો આંકડો 2021 માં 11,632 હતો, જે 2025 માં વધીને 22,479 થયો છે. સરકાર તરફથી ખાતરી આપવામાં આવી છે કે વિદેશમાં સ્થિત ભારતીય મિશનો મુશ્કેલીમાં મુકાયેલા નાગરિકોને તાત્કાલિક મદદ પૂરી પાડે છે અને શ્રમિકોની સુરક્ષા માટે અનેક દેશો સાથે દ્વિપક્ષીય કરારો પણ કરવામાં આવ્યા છે.
આ પણ વાંચોઃ અમેરિકા: આર્મી ચીફ જનરલ રેન્ડી જ્યોર્જને પદ છોડવા આદેશ, પેન્ટાગનમાં ખળભળાટ


