
આર્થિક રીતે કંગાલ પાકિસ્તાન પાસેના પરમાણુ હથિયારોને લઈને દુનિયાના દેશો ચિંતિત
નવી દિલ્હીઃ ભારતનો પડોશી દેશ પાકિસ્તાન હાલ આર્થિક મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યો છે. તેમજ પીએમ શરીફ દુનિયાના વિવિધ દેશો પાસે મદદ માટે હાથ લંબાવી રહ્યાં છે. પાકિસ્તાન પાસે પરમાણુ હથિયારો અને પરમાણું બોમ્બ જેવા ઘાતક હથિયારને લઈને અમેરિકા સહિતના દેશોમાં ચિંતા ફેલાઈ છે. પાકિસ્તાન આર્થિક મુશ્કેલીમાંથી બહાર નીકળવા માટે પરમાણુ હથિયારો વેચે તેવી શકયતા છે, એટલું જ નહીં આતંકવાદીઓના હાથમાં આ હથિયાર ના આવી જાય તેને લઈને દુનિયાના અનેક દેશોમાં ચિંતામાં મુકાયાં છે.
પાકિસ્તાનના સામાજિક કાર્યકર્તા અહમદ અયૂબ મિર્ઝાનું કહેવું છેકે પાકિસ્તાનની આખરી ચાલ પરમાણું હથિયાર વેચવાની હશે. જેનાથી આર્થિક કટોકટીમાં પૈસા મેળવી શકાય. જો પાકિસ્તાનમાં અરાજકતાનો માહોલ વકરે તો પરમાણું હથિયારો આતંકીઓના હાથમાં જવાની પણ સંભાવનાઓ સેવાઇ રહી છે. અને આતંકવાદીઓના હાથમાં હથિયારો જવાથી ભારત, અમેરિકા અને બાકીના યુરોપિયન દેશો માટે જોખમ ઉભું થઇ શકે છે. અમેરિકા સહિતના દેશોની નજર હાલ પાકિસ્તાનના પરમાણુ હથિયારો ઉપર મંડાયેલી છે.
પાકિસ્તાન હાલ ભારે હાલાકીમાંથી નીકળી રહ્યું છે. પ્રજાને ઘઉંનો લોટ તથા અન્ય જીવન જરૂરી વસ્તુઓ સરળતાથી મળતી નથી. આ ઉપરાંત પીઓકે સહિતના વિસ્તારમાં પ્રજા વિરોધ પ્રદર્શન કરી રહ્યાં છે. આમ પાકિસ્તાનમાં ગૃહ યુદ્ધની સ્થિતિ જોવા મળી રહી છે. આતંકવાદને પ્રોત્સાહન આપતુ પાકિસ્તાન હાલ આતંકી હુમલાનો ભોગ બની રહ્યું છે. પાકિસ્તાનમાં હવે અવાર-નવાર આતંકવાદી હુમલાની ઘટનાઓ બની રહી છે. પાકિસ્તાનના રાજકીય નેતાઓને કારણે પ્રજા મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યો છે.