1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાતમાં સ્થપાશે દેશની પ્રથમ લિથિયમ આયન સેલ મેન્યૂફેક્ચરીંગ ગીગા ફેક્ટરી
ગુજરાતમાં સ્થપાશે દેશની પ્રથમ લિથિયમ આયન સેલ મેન્યૂફેક્ચરીંગ ગીગા ફેક્ટરી

ગુજરાતમાં સ્થપાશે દેશની પ્રથમ લિથિયમ આયન સેલ મેન્યૂફેક્ચરીંગ ગીગા ફેક્ટરી

0
Social Share

અમદાવાદઃ ગુજરાત દેશમાં લિથિયમ આયન સેલ મેન્યૂફેક્ચરીંગનું અગ્રણી રાજ્ય બનવા સજ્જ થયું છે. આ હેતુસર લિથિયમ આયન સેલ મેન્યૂફેક્ચરીંગ ગીગા ફેક્ટરીની સ્થાપના માટે ગુજરાત સરકાર અને ટાટા ગૃપ વચ્ચે ગાંધીનગરમાં મુખ્યમંત્રીની ઉપસ્થિતીમાં MoU સંપન્ન થયા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાદર્શનમાં ઘડાયેલી નવી ઇલેક્ટ્રોનિકસ પોલિસીની ફલશ્રુતિ રૂપે આ MoU કરવામાં આવ્યા છે.
ટાટા ગૃપની સબસીડીયરી કંપની અગ્રતાસ એનર્જી સ્ટોરેજ સોલ્યુશન પ્રાયવેટ લિમિટેડના CEO અને ગુજરાત સરકારના સાયન્સ ટેક્નોલોજી સચિવ વિજય નહેરાએ આ MoU પર હસ્તાક્ષર કરી મુખ્યમંત્રીની પ્રેરક ઉપસ્થિતિમાં MoU ની પરસ્પર આપ-લે કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2030 સુધીમાં દેશમાં 50 ટકા કાર્બન ઉત્સર્જન રહિત ઊર્જા તથા 100 ટકા ઇલેક્ટ્રીક વાહન ઉપયોગનું જે લક્ષ્ય રાખ્યું છે તેને સાકાર કરવા ગુજરાતે આ ગીગા ફેક્ટરીની સ્થાપનાના MoU થી નવી દિશા આપી છે.

ગીગા ફેક્ટરી ભારતમાં આ પ્રકારનો પ્રથમ લિથિયમ આયન સેલ ઉત્પાદન પ્લાન્ટ ગુજરાતમાં કાર્યરત કરશે. એટલું જ નહિ, આ પ્લાન્ટમાં અંદાજે ૧૩ હજાર કરોડ રૂપિયાના પ્રારંભિક રોકાણ સાથે 20 Gwh ની ઉત્પાદન ક્ષમતા હશે અને પ્રત્યક્ષ તથા પરોક્ષ મળીને ૧૩ હજારથી વધુ લોકોને રોજગાર અવસર આ પ્લાન્ટને પરિણામે મળતા થશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાદર્શનમાં રાજ્ય સરકાર ઇલેક્ટ્રીક વાહનોનું ઉત્પાદન વધારીને કાર્બન ઉત્સર્જન રહિત ઊર્જા-ગ્રીન ક્લિન એનર્જી વધારવા અને ફોસિલ ફ્યુઅલ ક્ન્ઝમ્પશન ઘટાડી કાર્બન ઉત્સર્જન ઘટાડવાના વિઝન માટે પ્રતિબદ્ધ છે. આ સંદર્ભમાં ઇ.વી નો વપરાશ વધવાની સાથે લિથિયમ-આયન બેટરી પરની નિર્ભરતા પણ નોંધપાત્ર રીતે વધશે. ટાટા ગૃપના આ પ્લાન્ટની સ્થાપનાથી ગુજરાત લિથિયમ આયન સેલ મેન્યૂફેક્ચરીંગમાં અગ્રણી રાજ્ય બનશે તેમજ રાજ્યમાં બેટરી મેન્યૂફેક્ચરીંગ ઇકો સિસ્ટમ સ્થાપિત કરવામાં મદદ મળશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ પ્રોજેક્ટની સફળતા માટે રાજ્ય સરકારના સહયોગની તત્પરતા આ તકે વ્યકત કરી હતી. આ MoU સાઇનીંગ અવસરે મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન, મુખ્ય સચિવ રાજકુમાર, અધિક મુખ્ય સચિવ પંકજ જોષી તથા ટાટા ગૃપના વરિષ્ઠ અધિકારીઓ સહભાગી થયા હતા.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code