
અમદાવાદના સીજી રોડ પર 2 કરોડના ખર્ચે દેશના પ્રથમ સ્માર્ટ વીજ પોલ નંખાયા
અમદાવાદ : શહેર સ્માર્ટ સિટી તરફ એક પછી એક કદમ આગળ વધી રહ્યું છે. સ્માર્ટ સ્કૂલ તેમજ સ્માર્ટ પ્રોજેકટ બાદ હવે અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા સ્માર્ટ વીજ પોલ મુકવામા આવ્યા છે. જે સમગ્ર ભારતમાં પહેલી મ્યુનિ.કોર્પોરેશન છે જ્યા મલ્ટી વર્કર કરતા સ્માર્ટ વીજ પોલ હશે. અમદાવાદ શહેર વર્લ્ડ હેરિટેજ સિટી તો બની ગયું છે ત્યારે મેગા સિટી અમદાવાદ હવે સ્માર્ટ સિટી તરફ આગળ વધી રહ્યું છે. અમદાવાદ શહેરના હાર્દ સમાન સીજી રોડને રી ડેવલપ કરવામાં આવ્યો છે પરંતુ સાથે સાથે સીજી રોડ પર 19 સ્માર્ટ વીજ પોલ પણ મુકવામાં આવ્યા છે જે ભારતમાં કદાચ પ્રથમ હશે.
સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ શહેરમાં વિકાસના કામો ચાલી રહ્યા છે. જેમાં રિવરફ્રન્ટને વધુ ડેવલપ કરવામાં આવી રહ્યો છે. લાલદરવાજા એએમટીએસ બસ ટર્મિનસને નવા રૂપરંગથી અદ્યત્તન બનાવવામાં આવી રહ્યું છે. મેટ્રો ટ્રેનનું કામ પણ ધમધોકાર ચાલી રહ્યું છે. નવા ઓવરબ્રીજ બનાવવામાં આવી રહ્યા છે. ઉપરાંત અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનએ 38 કરોડના ખર્ચે સીજી રોડના ડેવલપમેન્ટના પ્રોજેક્ટમાં બે કરોડના ચાઇનીઝ સ્માર્ટ પોલ ફીટ કર્યા છે. સી. જી. રોડના ડેવલપમેન્ટમાં 12 લાખની કિંમતનો એક એવા 7 સ્માર્ટ પોલ અને 8.50 લાખનો એક એવા 12 નાના સ્માર્ટ પોલ ફીટ કરાયા છે. આ તમામ સ્માર્ટ પોલમાં સીસીટીવી, એનાઉન્સમેન્ટ સિસ્ટમ, ડિસ્પ્લે સહિતની ટેકનોનોલોજીનો ઉપયોગ કરી શકાય છે.