ગાંધીનગર: મહેસાણાના વડનગરમાં 15 કરોડ રૂપિયાના ખર્ચે દેશનો પ્રથમ વૃંદાવન ગૌચર પાર્ક બનશે. સત્તાવાર યાદીમાં જણાવ્યા અનુસાર આ પાર્કમાં વારસો-સંસ્કૃતિ-પ્રવાસન-અર્થતંત્રનો સંગમ હશે. જે એક ગૌશાળા ઉપરાંત અત્યાધુનિક ગ્રામીણ પ્રયોગશાળા પણ બનશે. રખડતી ગાયોની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાના ઉદ્દેશથી વડનગરના અમરથોલ ક્ષેત્રમાં ગૌરીકુંડ નજીક વૃંદાવન ગૌચર પાર્ક બનાવાશે.
આ પ્રોજેક્ટના નિર્માણ માટે નગર પાલિકા, જિલ્લા અને રાજ્ય સ્તરે શહેરી વિકાસ વિભાગ દ્વારા કવાયત શરૂ કરી દેવામાં આવી છે. આ પાર્કમાં ગાયો માટે ગૌચરને અનુરૂપ ઘાસચારો અને પાણીની વ્યવસ્થા હશે તેમજ પશુઓની સ્વાસ્થ્ય સંભાળ માટે વેટરનરી હૉસ્પિટલ પણ બનાવાશે. પાર્કમાં મિલ્ક પ્રોસેસિંગ પ્લાન્ટનું નિર્માણ અને ગાયોની સારી ઓલાદોના ઉછેરનો પણ પ્રયાસ કરાશે. આ તમામ પહેલથી વૃંદાવન ગૌચર પાર્ક એક પર્યટન સ્થળ પણ બનશે.

