
ચૂંટણી સંબંધિત તૈયારીઓ અંગે કેન્દ્રીય ચૂંટણી પંચના નાયબ ચૂંટણી કમિશનરએ ગાંધીનગર ખાતે ચાર જિલ્લાની કરી સમીક્ષા
અમદાવાદ:ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી 2022ની તૈયારીને અનુલક્ષીને કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા ગાંધીનગર ખાતે અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા અને અરવલ્લી જિલ્લાની સર્વગ્રાહી સમીક્ષા કરવામાં આવી હતી.
ગાંધીનગર ખાતે આવેલ કેન્દ્રીય ચૂંટણી પંચના નાયબ ચૂંટણી કમિશનર હિરદેશકુમાર, પ્રિન્સિપાલ સેક્રેટરી એસ બી જોશી, ડાયરેક્ટર (એક્સપેન્ડિચર), પંકજ શ્રીવાસ્તવ, ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારી શ્રીમતી પી. ભારતીએ વિધાનસભા સામાન્ય ચૂંટણી 2022 અંગે થયેલી તૈયારીની સમીક્ષા બેઠક યોજી હતી.જેમાં વિધાનસભાની સામાન્ય ચૂંટણી સંદર્ભે વિવિધ પાસાઓ અંગે વિસ્તૃત માહિતી ઉપસ્થિત સંબંધિત જિલ્લાઓના કલેક્ટરઓ અને પોલીસ અધિક્ષકો દ્વારા રજૂ કરાઈ હતી. આ તકે કેન્દ્રીય ચૂંટણી પંચના નાયબ ચૂંટણી કમિશનર હીરદેશકુમારે ઉપસ્થિત સૌ અધિકારીઓને ચૂંટણીલક્ષી માર્ગદર્શક સૂચનો કર્યા હતા.
ચૂંટણી પ્રક્રિયા સાથે સંકળાયેલા વિવિધ એન્ફોર્સમેન્ટ એજન્સીઓનાં અધિકારીઓ અને સ્ટેટ પોલીસ નોડલ ઓફિસર સાથે પણ ચૂંટણી સંબંધિત તૈયારીઓ અંગે ચૂંટણી પંચના અધિકારીઓ દ્વારા બેઠક યોજવામાં આવી હતી.
આ બેઠકમાં સ્ટેટ પોલીસ નોડલ ઓફિસર નરસિંહા કોમાર સહિત અમદાવાદ શહેર પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ, અમદાવાદ કલેક્ટર ડો. ધવલ પટેલ, અમદાવાદ આઈજી, જિલ્લા પોલીસ અધિક્ષક, ગાંધીનગર, મહેસાણા અને અરવલ્લી જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ અધિક્ષક ઉપસ્થિત રહ્યા હતા.