Site icon Revoi.in

રાધનપુર મહેસાણા હાઈવે પર સમીના ગોચનાથ પાસેનો જર્જરિત બ્રિજ ભારે વાહનો માટે બંધ કરાયો

Social Share

ભૂજઃ મધ્ય ગુજરાતમાં પાદરા નજીક હાઈવે પરનો ગંભીરા બ્રિજ તૂટી પડતા 21ના મોત નિપજ્યા બાદ હવે સરકાર એલર્ટ બની છે. અને બ્રિજ જર્જરિત લાગે તો વિલંબ કર્યા વિના વાહનોની અવર-જવર પર પ્રતિબંધ મુકવાની સુચના આપ્યા બાદ રાધનપુર મહેસાણા હાઈવે પર સમીના ગોચનાદ ગામ પાસેનો બ્રિજ જર્જરિત હોવાને લીધે ભારે વાહનો માટે બંધ કરાયો છે.

કચ્છ અને ઉત્તર ગુજરાતને જોડતો રાધનપુર મહેસાણા હાઈવે પર સમીના ગોચનાદ ગામ પાસેનો 1965માં બનેલો બ્રિજ છેલ્લા ઘણા સમયથી અતિ બિસ્માર હાલતમાં હોવાથી તંત્રની ઘોર બેદરકારીના કારણે પુલ ગમે ત્યારે તૂટી પડે તેવી સ્થિતિમાં છે. ત્યારે ગંભીર બ્રિજની દુર્ઘટના બાદ એકાએક જાગેલા મહેસાણા માર્ગ-મકાન વિભાગે બ્રિજને તાકિદે બંધ કરવા જાહેરનામું બહાર પાડ્યું છે.

પાટણ જિલ્લામાં પણ 40 જેટલા પુલો આવેલા છે, તેની ચકાસણી માટે કે તપાસ માટે સ્થાનિક માર્ગ-મકાન વિભાગ મુહુર્તની રાહ જોઈ રહ્યું છે. વહીવટીતંત્ર દ્વારા તાજેતરમાં બેઠક બોલાવીને જિલ્લાના તમામ બ્રિજોનું નિરીક્ષણ કરવા સૂચના આપી છે.  રાધનપુર-મહેસાણા હાઈવે પર કચ્છ અને ઉત્તર ગુજરાતને જોડતો સમી તાલુકાના ગોચનાદ ગામ પાસે બનાસ નદી ઉપર 1965માં બનાવવામાં આવેલો ઓવરબ્રિજ જર્જરિત હાલતમાં છે. આ બ્રિજ ટોલ વગરનો હોવાથી દરરોજ હજારો વાહન પસાર થાય છે, જ્યારે આ બ્રિજમાં પોપડા પડવા લાગ્યા છે અને તેના સળિયા પણ દેખાવવા લાગ્યા છે. વર્ષો જૂનો બ્રિજ ગમેત્યારે કડકભૂસ થવાની અને મોટી જાનહાનિ સર્જાવાની ભીતિ સેવાઇ રહી છે. જેથી તંત્ર દ્વારા સત્વરે આ બ્રિજના કારણે કોઈ મોટી દુર્ઘટના ના સર્જાય તે માટે બ્રિજનું સમારકામ કરવામાં આવે તેવી માંગ ઊઠી હતી. આથી  સમીના ગોચનાદ પાસેનો બનાસ નદી પરનો જર્જરિત બ્રિજ ભારે વાહનો માટે બંધ કરાયો છે.

ઉલ્લેખનીય છે કે આગામી સમયમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુથી તકેદારીના ભાગરૂપે ભારે વાહનોના ટ્રાફિકને પુલ ઉપરથી પ્રતિબંધિત કરી અન્ય માર્ગ પર ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. ભારે વાહનો માટે રાધનપુર-સીનાડ ઉણ-થરા-ટોટાણા-રોડા-વેજાવાડા બોતરવાડા-હારીજ ડાયવર્ઝન આપવામાં આવ્યું છે.