Site icon Revoi.in

ગાંધીનગર જિલ્લા પંચાયતના જર્જરિત બિલ્ડિંગને રિનોવેશન કરાશે

Social Share

ગાંધીનગરઃ જિલ્લા પંચાયતનું જર્જરિત બની ગયુ છે. અને જિલ્લા પંચાયતનું નવુ બિલ્ડિંગ બનતા હજુ ચારથી પાંચ વર્ષનો સમય લાગે તેમ છે. ત્યારે હાલના જુના બિલ્ડિંગને મરામત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જિલ્લા પંચાયતના ધાબાની જર્જરીત બનેલી પેરાફિટમાંથી અવાર નવાર પોપડા પડવાની ઘટના બનતી હતી. જોકે એકપણ વખત કર્મચારીઓને ઇજા થઇ નથી તેમ છતાં ભવિષ્યમાં કોઇ દુર્ઘટના બને નહી તે માટે જિલ્લા પંચાયતના બાંધકામ શાખા દ્વારા રૂપિયા 7 લાખના ખર્ચે બિલ્ડીંગના ધાબાની પેરાફીટને તોડીને રિપેરીંગની કામગીરી શરૂ કરવામાં આવી છે.

સૂત્રોના કહેવા મુજબ ગાંધીનગર જિલ્લા પંચાયતના નવા બિલ્ડીંગની ટેન્ડરીંગ સહિતની કામગીરી પૂર્ણ થવાને આરે છે. ત્યારે જિલ્લા પંચાયતના નવા બિલ્ડીંગના નિર્માણની પાછળ ત્રણથી પાંચ વર્ષ જેટલો સમય લાગે તેવી શક્યતા છે. નવુ બિલ્ડિંગ ન બને ત્યાં સુધી હાલના જુના બિલ્ડિંગને મરામતની જરૂરિયાત ઊભી થઈ છે. જિલ્લા પંચાયતના બિલ્ડીંગની ધાબાની પેરાફીટની હાલત જર્જરીત બની છે. જેનાથી અવાર નવાર પોપડા બનવાની ઘટના બનતી હતી. જોકે સદ્દનસીબે પોપડા એકપણ જિલ્લા પંચાયતના કર્મચારી કે બિલ્ડીંગમાં રાઉન્ડ ધ ક્લોક ફરજ બજાવતા સિક્યુરીટી જવાન ઉપર પડ્યાની ઘટના બની નથી. જોકે કર્મચારીઓના પાર્ક કરેલા વાહનો ઉપર પોપડા પડ્યાને ઘટના બની હતી. ત્યારે જિલ્લા પંચાયતના બિલ્ડીંગની ધાબાની પેરાફિટના પોપડા કોઇ કર્મચારીની ઉપર પડવાની દુર્ઘટના બને નહી તે માટે જિલ્લા વિકાસ અધિકારી બી.જે.પટેલ દ્વારા રિપેરીંગ માટે બાંધકામ શાખાના મુખ્ય ઇજનેર તેજસ માંગુકિયાને સુચના આપી હતી. જેને પગલે જિલ્લા પંચાયતની બાંધકામ શાખા દ્વારા જિલ્લા પંચાયતની બિલ્ડીંગના ધાબાની પેરાફિટને તોડી નાંખીને તેની જગ્યાએ નવી પેરાફિટ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. તેમાં શનિવાર અને રવિવારની રજા હોવાથી બાંધકામ શાખા દ્વારા રૂપિયા 7 લાખના ખર્ચે પેરાફિટને તોડીને પાડીને નવી પેરાફિટ બનાવવાની કામગીરી શરૂ કરી છે.

સૂત્રોએ ઉમેર્યુ હતું કે જિલ્લા પંચાયતના ધાબાની પેરાફિટ બનાવવાની પાછળ અંદાજે પંદરેક દિવસ જેટલો સમય લાગી શકે છે. ત્યારે તેની વચ્ચે ચાલુ કચેરી દરમિયાન કર્મચારીઓને ઇજા થવાના કિસ્સા બને નહી તેના માટે તકેદારી રાખવામાં આવી રહી છે.