- સૌરાષ્ટ્ર ઝોન સમિતિના ચેરમેનની જગ્યા 5 મહિનાથી ખાલી,
- સૌરાષ્ટ્રની 650 સ્કૂલોની ફી વધારા માટે નિર્ણય અટકેલો છે,
- હાઈકોર્ટના નિવૃત જજ અને 62 વર્ષથી વધુ વય ન હોય તો નિમણૂંક કરી શકાય
રાજકોટઃ રાજ્યમાં ખાનગી શાળાઓમાં ફીનું માળખું નક્કી કરવા માટે ઝોન વાઈઝ ફી નિર્ધારણ કમિટી બનાવી છે. જેમાં સૌરાષ્ટ્ર ઝોનની ફી કમિટીમાં ચેરમેનની જગ્યા છેલ્લા 5 મહિનાથી ખાલી છે. સૌરાષ્ટ્ર ઝોનની ફી નિયમન સમિતિ દ્વારા રાજકોટ ઉપરાંત જામનગર, દેવભૂમિ દ્વારકા, મોરબી, જુનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર, અમરેલી, ભાવનગર, સુરેન્દ્રનગર અને બોટાદ એમ 11 જિલ્લાની 5000થી વધુ ખાનગી સ્કૂલોની ફી નક્કી થાય છે. હાલ ચેરમેનની જગ્યા ખાલી હોવાથી 650 સ્કૂલોની ફી વધારા માટેનો નિર્ણય અટકેલો છે.
ગુજરાતમાં ખાનગી શાળાઓની ફી નક્કી કરવા માટે જુદા જુદા ઝોન વાઈઝ ફી નિર્ધારણ કમિટી બનાવવામાં આવી છે. ફી નિયમન સમિતિમાં ચેરમેન તરીકે નિવૃત જજની નિમણૂક આપવામાં આવતી હોય છે, હાલ સૌરાષ્ટ્ર ઝોનમાં છેલ્લા 5 મહિનાથી ચેરમેનની જગ્યા ખાલી પડી છે. જ્યારે સૌરાષ્ટ્ર ઝોન FRCમાં સભ્યો તરીકે શિક્ષણવિદ મુકુંદરાય મહેતા, શાળા સંચાલક મંડળના પ્રતિનિધિ તરીકે પ્રભુભાઈ સિંધવ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હાર્દિક વ્યાસ અને સિવિલ એન્જિનિયર તરીકે પ્રવીણ વસાણીયા કાર્યરત છે. ફી નિયમન સમિતિના ચેરમેન તરીકે પસંદગી કરવામાં આવે તેમની ઉંમર 62 વર્ષથી વધુ ન હોય અને તેઓ હાઇકોર્ટના નિવૃત્ત જજ હોવા જોઈએ. જે ક્રાઈટ એરિયામાં વ્યક્તિઓ મળવા મુશ્કેલ બનતા હોય તેવું લાગી રહ્યું છે. સેશન્સ કે ડિસ્ટ્રિક્ટ કોર્ટના જજ હોય તો તેઓને પણ ચેરમેન તરીકે રાખી શકાતા નથી.
સૌરાષ્ટ્ર ઝોનની ઘણીબધી ખાનગી શાળાઓએ વિદ્યાર્થીઓને શિક્ષણની કોઈપણ પ્રકારની વધુ સવલત આપ્યા વિના ફીમાં વધારો કરી દીધો છે. ફી રેગ્યુલેશન કમિટીથી ફી રેગ્યુલેશનમાં પારદર્શકતા અને વિદ્યાર્થીઓને કઈ પ્રકારની સુવિધાઓ આપવામાં આવે છે. તે યોગ્ય રીતે તપાસવામાં આવતું નથી. ખાનગી સ્કૂલોમાં ફી વધતી જાય છે. પરંતુ વિદ્યાર્થીઓને આપવામાં આવતી ફેસિલિટીમાં કોઈ વધારો થતો નથી.