
ગુજરાતમાં ધર્મ સ્વાતંત્ર્યના નવા કાયદા મુજબ પ્રથમ ફરિયાદ નોંધાઈઃ ધર્મ પરિવર્તન માટે દબાણનો આક્ષેપ
અમદાવાદઃ ગુજરાતમાં લવજેહાદના બનાવોને અટકાવવા માટે તાજેતરમાં જ વિધાનસભામાં ગુજરાતમાં ધર્મ સ્વાતંત્ર્ય સુધારા વિધેયક 2021ના નામે પસાર કરવામાં આવ્યો હતો. આ કાયદા હેઠળ વડોદરામાં પ્રથમ ફરિયાદ નોંધાઈ હોવાનું જાણવા મળે છે. લઘુમતી સમાજની યુવતીએ એક યુવાન ભગાડી જતા સમગ્ર મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. યુવતીને ધર્મ પરિવર્તન માટે દબાણ કરવામાં આવતું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરાની લઘુમતી કોમની યુવતીને એક યુવાન ભગાડી ગયો હતો. જેથી યુવતીના પરિવારજનો પોલીસ સ્ટેશન દોડી ગયા હતા. તેમજ ધર્મ સ્વાતંત્ર્ય સુધારા વિધેયક 2021 હેઠળ ફરિયાદ વડોદરામાં નોંધાવી હતી. જેમાં યુવતી પર ધર્મ પરિવર્તન માટે દબાણ કરતા હોવાનો આક્ષેપ કરાયો છે. આ બનાવ અંગે પોલીસે તપાસ આરંભી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં લવજેહાદના બનાવો અટકાવવા માટે ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશના લવજેહાદ કાયદાનો અભ્યાસ કર્યા બાદ સરકારે વિધાનસભામાં ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમ 2003માં સુધારો કરીને કાયદો પસાર કરવામાં આવ્યો હતો. લવજેહાદની ઘટનાઓ અટકાવવા માટે ઉત્તરપ્રદેશની પેટર્નથી કાયદો બનાવવામાં આવ્યો છે. જેમાં આરોપીને ઓછામાં ઓછી 3 વર્ષની સજા સુધીની જોગવાઈ છે. આ ઉપરાંત આરોપીને મદદ કરનારા અન્ય આરોપીને પણ આકરી સજાની જોગવાઈ કરવામાં આવી છે.