Site icon Revoi.in

યુનિવર્સિટીઓ અને સંલગ્ન કોલેજોમાં સ્નાતક, અનુસ્નાતકનું પ્રથમ સત્ર 1લી જુલાઈથી શરૂ થશે

Social Share

 અમદાવાદઃ  રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા વર્ષ 2025-26નું વાર્ષિક એકેડેમિક કેલેન્ડર જાહેર કરવામાં આવ્યુ છે. જે મુજબ  અંડર ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએશન કોર્સ માટે પ્રથમ શૈક્ષણિક સત્ર આગામી 1 જુલાઇથી શરૂ થશે. ચાલુ વર્ષે દિવાળી વેકેશન 17 ઓક્ટોબરથી 6 નવેમ્બર સુધી કુલ 21 દિવસનું રહેશે. તેમજ પ્રથમ સત્રમાં શૈક્ષણિક કાર્યના 124 દિવસ રહેશે.

રાજ્યની યુનિવર્સિટીઓ અને સંલગ્ન કોલેજોમાં અંડર ગ્રેજ્યુએશન સેમેસ્ટર 2 અને પોસ્ટ ગ્રેજ્યુએશન 3માં પ્રથમ શૈક્ષણિક સત્ર 17 જૂનથી પ્રારંભ કરાયો છે. પ્રથમ સત્ર તા. 17 જૂનથી લઇને 3 ડિસેમ્બર 2025 એટલે કે પહેલા શૈક્ષણિક સત્રમાં કુલ 124 દિવસનું શિક્ષણકાર્ય રહેશે. હાલમાં પ્રવેશ કાર્યવાહી ચાલી રહી છે તે UG અને PG સેમેસ્ટર 1નું શિક્ષણકાર્ય 1લી જુલાઇથી શરૂ કરવામાં આવશે. આગામી 17 ઓક્ટોબરથી લઇને 6 નવમ્બર સુધી 21 દિવસનું દિવાળી વેકેશન રહેશે.

આ દિવળી વેકેશન GTU સહિતની ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણની યુનિવર્સિટીઓ અને કોલેજો માટે સમાન રહેશે. બીજુ શૈક્ષણિક સત્ર UG સેમેસ્ટર 2, 4 અને 6 ઉપરાંત પીજી સેમેસ્ટર 2 અને 4 માટે તા. 4 ડિસેમ્બરથી 24મી એપ્રિલ 2026 સુધી એટલે કે 114 દિવસનું રહેશે. કોલેજોએ પરીક્ષા વગેરેની કામગીરી 30મી માર્ચથી 25મી એપ્રિલ 2026 સુધીમાં પુરી કરવાની રહેશે. બીજુ શૈક્ષણિક સત્ર 24મી એપ્રિલ 2026ના રોજ પૂર્ણ ગણવામાં આવશે. આગામી વર્ષે ઉનાળુ વેકેશન 27મી એપ્રિલથી 14મી જૂન દરમિયાન કુલ 49 દિવસનું રહેશે. આગામી વર્ષે નવુ શૈક્ષણિક સત્ર 15મી જૂન 2026થી શરૂ કરવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, કચ્છની મોટાભાગની કોલેજો શરૂ થઇ ગઇ છે અને હાલમાં ઘણી કોલેજોમાં પ્રવેશ પ્રક્રિયા ચાલુમાં છે ત્યારે શિક્ષણ વિભાગ દ્વારા મોડેથી વાર્ષિક કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું હતું.