1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. સાવરકૂંડલામાં સાવજે ત્રણ વ્યક્તિ પર હુમલો કર્યા બાદ વન વિભાગે આઠ સિંહને પાંજરે પૂર્યા
સાવરકૂંડલામાં સાવજે ત્રણ વ્યક્તિ પર હુમલો કર્યા બાદ વન વિભાગે આઠ સિંહને પાંજરે પૂર્યા

સાવરકૂંડલામાં સાવજે ત્રણ વ્યક્તિ પર હુમલો કર્યા બાદ વન વિભાગે આઠ સિંહને પાંજરે પૂર્યા

0
Social Share

અમરેલીઃ જિલ્લાના સાવરકુંડલા તાલુકામાં વનરાજોએ અઢ્ઢો જમાવતા લોકો સીમ-ખેતરો જતાં પણ ડરતા હતા, દરમિયાન તાલુકાના ઘનશ્યામનગરની સીમમા છેલ્લા ત્રણ માસ દરમિયાન નરભક્ષી બનેલા સાવજે એક પછી એક ત્રણ વ્યકિતને ફાડી ખાધાની ઘટના બાદ વનતંત્રએ હવે આ વિસ્તારના તમામ સિંહને પાંજરે પુરી દઇ સમગ્ર વિસ્તારને સિંહ મુકત કરી દીધો છે. અગાઉ આઠ સિંહ અને એક દીપડાને પાંજરે પુરાયા બાદ  વધુ આઠ સાવજને પાંજરે પુરવામાં આવ્યા હતા.

વન વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ સાવરકુંડલાના ઘનશ્યામનગરની સીમમા બે દિવસ પહેલા સાવજે રફિક શંભુભાઇ મુનીયા (ઉ.વ.7) નામના પરપ્રાંતિય બાળકને ઉપાડી જઇ મારી નાખ્યો હતો. તેના થોડાક દિવસ પહેલા પણ એક સાવજે ત્રણ વર્ષના બાળકને ફાડી ખાધેા હતો. જયારે ત્રણ વર્ષના બાળકને ફાડી ખાધાની ઘટના બની ત્યારે વનતંત્રએ એક સિંહણ તથા બે પાઠડાને પાંજરે પુર્યા હતા અને તેને જસાધાર એનીમલ કેર સેન્ટરમા ખસેડયા હતા. તે સમયે નરભક્ષી સાવજ ઝડપાઇ ગયાની શકયતા જોવાતી હતી. પરંતુ વધુ એક બાળકને સિંહે ફાડી ખાધાની ઘટના બાદ એ નક્કી થઇ ગયુ હતુ કે, માનવભક્ષી સાવજ પાંજરામાં પુરાયો નથી.જેને પગલે વનતંત્ર દ્વારા આ વિસ્તારના તમામ સાવજોને ઉપાડી લેવાનો નિર્ણય કરવામા આવ્યો હતો અને છેલ્લા બે દિવસના રેસ્કયુ ઓપરેશન દરમિયાન આ વિસ્તારના આઠ સાવજોને ટ્રાન્કવીલાઇઝ કરી પાંજરે પુરવામા આવ્યા છે. થોરડી, વાવડી અને ઘનશ્યામનગરની સીમમાથી એક નર, બે માદા અને બચ્ચા મળી આઠ સાવજોને પકડી લેવામા આવ્યા છે. જે તમામને હાલમા આંબરડી એનીમલ કેર સેન્ટરમા ખસેડવામાં આવ્યા છે. સાવરકૂંડલા તાલુકાને સિંહ મુક્ત કરાતા ખેડુતોને રાહત થઈ છે.

વન વિભાગના સૂત્રોએ ઉમેર્યું હતું કે, તંત્ર માટે સૌથી મોટી મુશ્કેલી એ છે કે પાંજરે પુરાયેલા સાવજો પૈકી નરભક્ષી સાવજ કયો છે તે કહેવુ મુશ્કેલ છે. કારણ કે અગાઉ પકડાયેલા સાવજોમાથી પણ નક્કી થઇ શકયુ નથી અને આજે જે આઠ સાવજો પકડાયા તેમાથી એકેયે બાળકને ખાધો ન હતો. આમ તેના મળના આધારે નક્કી નહી કરી શકાય. ફુટમાર્કના આધારે સાવજની ઓળખ મેળવવા પ્રયાસ કરાશે. પરંતુ તે પરિણામ સચોટ હોતુ નથી. સાવજો પોતાની ટેરેટરી બનાવીને રહે છે. ત્રણ માસમા ત્રણ લોકોને સાવજોએ મારી નાખ્યાની ઘટના બાદ તંત્રએ આ વિસ્તારના તમામ સાવજોને પાંજરે પુરી દીધા છે. આમ હવે સમગ્ર વિસ્તારમા એકેય સાવજ નથી. ભુતકાળમા ધારીના આંબરડી નજીક પણ સાવજોએ એક માસમા ત્રણ વ્યકિતને મારી નાખ્યાની ઘટના બની હતી. તે વખતે પણ આ વિસ્તારના તમામ સાવજને કેદ કરી લેવાયા હતા. જો કે તેમાથી નરભક્ષી સાવજને અલગ તારવી લેવાયા બાદ બાકીના સાવજોને મુકત કરી દેવાયા હતા. (file photo)

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code